શું સંન્યાસનું એલાન કર્યા બાદ તે નિર્ણયને પરત લઈ શકે છે ખેલાડી? જાણો શું છે નિયમ
Cricket retirement rule : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સ્પીનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ લઇ લીધી છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં અશ્વિને છેલ્લી મેચ રમી હતી. અહીં તમને જણાવી દઈએ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ બાદ અશ્વિન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેની 15 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો હતો.
અગાઉ અશ્વિન ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેવાનો હતો
રવિચંદ્રન અશ્વિન T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમનો ભાગ હતો. જેમાં ભારતીત ટીમે પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી. તે મેચમાં ભારતને છેલ્લા બોલ પર જીતવા માટે 2 રનની જરૂર હતી, સામે અશ્વિન સ્ટ્રાઈક પર હતો અને બોલ પાકિસ્તાની બોલર મોહમ્મદ નવાઝના હાથમાં હતો. નવાઝે ફેંકેલો બોલ લેગ સ્ટમ્પની બહાર ગયો હતો. જેના કારણે બોલને વાઈડ ગણવામાં આવ્યો. અને પછીના બોલ પર અશ્વિને ભારતને જીત અપાવી હતી.
આ મેચમાં જો વાઈડ બોલ ટર્ન થઈને અશ્વિનના પેડ સાથે અથડાયો હોત તો ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હોત. તે મેચ અંગે અશ્વિને કહ્યું હતું કે, 'જો ભારત આ મેચ હારી ગયું હોત તો મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી લેત. હું નવાઝનો બોલ ટર્ન થઈને મારા પેડ સાથે અથડાયો હોત તો હું ડ્રેસિંગ રૂમમાં આવીને મારું ટ્વિટર ખોલીને મેં ટ્વીટ કરી હોત કે, ખૂબ ખૂબ આભાર, મારી ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી હતી.'
શું અશ્વિન નિવૃત્તિ પરત લઈ શકે?
હવે અહીં સવાલ એ છે કે જો કોઈપણ ખેલાડી નિવૃત્તિની જાહેરાત કરે તો શું તે તેને પાછી લઈ શકે? મળતી માહિતી અનુસાર કોઈપણ ખેલાડી નિવૃત્તિ લીધા પછી પોતાનો આ નિર્ણય પાછો ખેંચી શકે છે. આગાઉ બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, 'હાલના દિવસોમાં વર્લ્ડ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી એ મજાક બની ગઈ છે. લોકો નિવૃત્તિની જાહેરાત કરી દે છે, પરંતુ પછી ફરીથી રમવા માટે પાછા આવી જાય છે. જો કે, ભારતમાં આવું બન્યું નથી. હું અન્ય દેશોના ખેલાડીઓને તેમની નિવૃત્તિની જાહેરાત કરતા જોઉં છું અને પછી તેઓ યુ-ટર્ન લઇ લે છે.'
VIDEO: રિટાયરમેન્ટ સ્પીચમાં ભાવુક થયો આર.અશ્વિન, રોહિત-કોહલી સહિત ચાર ક્રિકેટર્સને કર્યા યાદ
અશ્વિનની ક્રિકેટ કારકિર્દી
અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની વચ્ચે નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેણે પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે ડે નાઈટ ટેસ્ટના રૂપમાં રમી હતી. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 287 મેચ રમી હતી. અને જેમાં તેણે 765 વિકેટ ઝડપી હતી.