વર્લ્ડ બેડમિંટન : સાત્વિક-ચિરાગની જોડી સેમિ ફાઈનલમાં પ્રવેશતા ભારતનો મેડલ નિશ્ચિત
- ભારતને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ ડબલ્સમાં મેડલ મળશે
- વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતનો આ ૧૩મો મેડલ : પ્રનોય ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર
ટોક્યો, તા.૨૬
ભારતના
ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાન્કિરેડ્ડીની જોડીએ વર્લ્ડ બેડમિંટન
ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવતા મેડલ નિશ્ચિત કરી લીધો હતો. આ સાથે
વર્લ્ડ બેેડમિંટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતને સૌપ્રથમવાર મેન્સ ડબલ્સમાં મેડલ
મળશે. જોકે ભારતના એચ.એસ. પ્રનોયનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થતાં સિંગલ્સમાં
ભારતના પડકારનો અંત આવી ગયો હતો.
ટોક્યોમાં
ચાલી રહેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ભારતના સાત્વિકસાઈરાજ અને ચિરાગની
વર્લ્ડ નંબર સેવન જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને બીજો ક્રમાંક
ધરાવતી ટાકુરો હોકી અને યુગો કોબાયાશીની જોડીને ૨૪-૨૨, ૧૫-૨૧, ૨૧-૧૪થી મહાત કરતાં મેજર અપસેટ સર્જ્યો હતો. સાત્વિક-ચિરાગે એક કલાક અને
૧૫ મિનિટના અત્યંત પડકારજનક મુકાબલામાં જીત હાંસલ કરતાં આગેકૂચ કરી હતી. હવે તેઓ
છઠ્ઠો સીડ ધરાવતા મલેશિયાના આરોન ચિયા અને સોન વૂઈ યીક સામે ટકરાશે.
આ
સાથે ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કુલ મળીને ૧૩મો અને ડબલ્સમાં બીજો મેડલ
નિશ્ચિત કર્યો હતો. અગાઉ ભારતની જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડી વિમેન્સ
ડબલ્સમાં બ્રોન્ઝ જીતી હતી. તેમણે ૨૦૧૧માં આ સિદ્ધિ મેળવી હતી.
સિંધુએ
૨૦૧૯માં સિંગલ્સના ગોલ્ડ સહિત કુલ પાંચ મેડલ જીત્યા હતા. જ્યારે સાયના નેહવાલે સિલ્વર
અને બ્રોન્ઝ તેમજ કિદામ્બી શ્રીકાંતે સિલ્વર,
પ્રકાશ પદુકોણે, સાઈ પ્રણિત અને લક્ષ્ય સેને બ્રોન્ઝ
મડેલ જીત્યા હતા.
અલબત્ત, ભારતના એચ.એસ.
પ્રનોયનો ક્વાર્ટર ફાઈનલમાં ચીનના ઝાઓ જુન પેંગ સામે ૧૯-૨૧, ૨૧-૬,
૨૧-૧૮થી પરાજય થતાં સિંગલ્સમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.
ભારતના ધુ્રવ કપિલા અને એમ.આર.અર્જુન પણ ક્વાર્ટર ફાઈનલમાં ત્રીજો સીડ ધરાવતા
ઈન્ડોનેશિયાના અહસાન-સેતીવાન સામ ૨૧-૮, ૨૧-૧૪થી પરાજીત થઈ
બહાર ફેંકાયા હતા.