RCB સામે બુમરાહની ઘાતક બોલિંગ: પાંચ વિકેટ ખેરવી અનેક રેકૉર્ડ તોડ્યા, પર્પલ કેપ પણ મળી
Image: Facebook
IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ કરીને 5 વિકેટ લીધી. તેણે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીની મોટી વિકેટ પણ લીધી. બુમરાહે પોતાની આ શાનદાર બોલિંગથી ઘણા મોટા રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધા.
બુમરાહ પર્પલ કેપ હોલ્ડર પણ બની ગયો છે. બુમરાહે સૌથી પહેલા વિરાટ કોહલી (3 રન) ની વિકેટ લીધી. આ વચ્ચે ઓવરમાં મુંબઈને મોટી સફળતા અપાવતા ફાફ ડુ પ્લેસી (61 રન) ને પવેલિયન મોકલ્યો. તેની ત્રીજી વિકેટ મહિપાલ લોમરોરની રહી, તેને ખાતું ખોલ્યા વિના જ જવુ પડ્યું. ચોથી વિકેટ સૌરવ ચૌહાણ (9 રન) ની લીધી. તેની 5 મી વિકેટ વિજયકુમાર વૈશાખની હતી, જે ખાતુ પણ ન ખોલી શક્યો.
RCB સામે મહારેકોર્ડ
બુમરાહે આ મેચમાં જ્યારે ત્રીજી વિકેટ લીધી ત્યારે તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. આ મેચ પહેલા તેના નામે 24 વિકેટ હતી. હવે RCB સામે બુમરાહના નામે 29 વિકેટ થઈ ગઈ છે. બુમરાહે સંદીપ શર્મા અને રવિન્દ્ર જાડેજાને આ મામલે પાછળ છોડ્યા.
RCB સામે આ રેકોર્ડ પણ બુમરાહે પોતાના નામે કર્યો
બુમરાહે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી દીધો. તે આ ટીમ સામે આઈપીએલમાં 5 વિકેટ લેનાર પહેલો બોલર બની ગયો છે. બુમરાહ સિવાય આજ સુધી કોઈ પણ બોલર આ કમાલ કરી શક્યો નથી.
હરભજન-મલિંગાના ક્લબમાં થયો સામેલ
જસપ્રીત બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 વિકેટ લેનાર બોલરના ક્લબમાં સામેલ થઈ ગયો છે. લસિથ મલિંગા અને હરભજન સિંહ પણ મુંબઈ માટે રમીને 5 વિકેટ હોલ લેવામાં સફળ થયા હતા. મલિંગા-હરભજન સિવાય મુંબઈ માટે મુનાફ પટેલ, આકાશ મધવાલ અને અલ્જારી જોસેફ પણ આ કમાલ કરી ચૂક્યા છે.
પર્પલ કેપ પર કબ્જો
બુમરાહે આઈપીએલ 2024માં પર્પલ કેપ પર કબ્જો જમાવી લીધો છે. તેના નામે 5 મેચમાં 5 વિકેટ થઈ ગઈ છે. આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બુમરાહ બાદ રાજસ્થાન રોયલ્સનો યુઝવેન્દ્ર ચહલ છે. તેણે પણ અત્યાર સુધીમાં 10 વિકેટ લીધી છે. મુસ્તફિજુર રહેમાન 9 વિકેટ સાથે ત્રીજા નંબરે છે.