Budget 2024: સરકારે રમત-ગમત ક્ષેત્ર માટે પટારો ખુલ્લો મૂક્યો, ફાળવ્યું આટલા કરોડનું બજેટ
Image: IANS File Photo |
Budget 2024 for Sports: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટમાં રમત-ગમત ક્ષેત્રે દિલ ખોલીને ફાળવણી કરી છે. ખેલો ઈન્ડિયા માટે મોટુ ફંડ ફાળવ્યું છે. ખેલો ઈન્ડિયા સરકારની મહત્ત્વપૂર્ણ યોજના છે, જે જમીન પર રમાતા સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે. સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં સ્પોર્ટ્સ મંત્રાલય માટે રૂ. 3442.32 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ખેલો ઈન્ડિયા માટે રૂ. 900 કરોડ ફાળવ્યા છે.
આ રકમ ગત નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 880 કરોડના સંશોધિત ફાળવણી કરતાં રૂ. 20 કરોડ વધુ છે. 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી પેરિસ ઓલમ્પિક યોજાવાની છે. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાઈ સ્પોર્ટ્સમાં અત્યારસુધી 2 વર્ષનો સમય છે. એવામાં સ્પોર્ટ્સ મંત્રાલયના બજેટમાં ગતવર્ષની તુલનાએ રૂ. 45.36 કરોડનો વધારો થયો છે.
સ્પોર્ટ્સ મંત્રાલય માટે ગત બજેટમાં રૂ. 3396.96 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. સરકારે છેલ્લા થોડા વર્ષમાં ખેલો ઈન્ડિયામાં મોટાપાયે રોકાણ કર્યું છે. આ પ્રોગ્રામ દેશના તમામ હિસ્સામાંથી સ્પર્ધકોને તક આપવાનું કામ કરે છે. નાણાકીય વર્ષ 2022-23માં ખેલો ઈન્ડિયા માટે કુલ રૂ. 596.39 કરોડની ફાળવણી થઈ હતી. જે 2023-24માં રૂ.400 કરોડથી વધુ વધી રૂ. 1000 કરોડ થઈ હતી. જો કે, બાદમાં તેમાં સુધારા-વધારા કરી રૂ. 880 કરોડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ભારતને જોરદાર ઝટકો, પેરિસ પેરાલિમ્પિક્સ પહેલા મધ્યપ્રદેશના 3 એથલીટ ડોપ ટેસ્ટમાં ફેલ
2020માં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની શરૂઆત
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2018ની શરૂઆત બાદ સરકારે તેમાં વિવિધ સ્પોર્ટ્સ કેટેગરી ઉમેરી છે. મંત્રાલયે 2018માં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ અને 2023માં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કર્યું હતું. 2020માં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની શરૂઆત કરી હતી. દેશભરમાં અનેક ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ફોર એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
NADA અને NDTLએ પણ બજેટ વધાર્યું
સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા માટે બજેટમાં રૂ. 795.77 કરોડથી વધારી રૂ. 822.60 કરોડ કરવામાં આવ્યા છે. જેમાં રૂ. 26.83 કરોડનો વધારો થયો છે. આ એસોસિએશન દેશભરમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સની જાળવણી ઉપરાંત વૈશ્વિક સ્તરે રમાતી ગેમ્સ માટે ખેલાડીઓને તૈયાર કરવા માટે ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ યોજનાનું સંચાલન કરે છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી અને નેશનલ ડોપ ટેસ્ટિંગ સેન્ટરના બજેટમાં નજીવો વધારો થયો છે. જે ખેલાડીઓના ડોપિંગની તપાસ કરે છે. NADA માટે રૂ. 21.73 કરોડથી વધારી 22.30 કરોડ, જ્યારે NDTLએ બજેટ ફાળવણી રૂ. 19.50 કરોડથી વધારી રૂ. 22 કરોડ કરી છે.