ભગવાન તને બુદ્ધિ આપે...: વિનેશ ફોગાટ પર કેમ ભડક્યા જીજાજી? બહેને પણ માર્યો ટોણો
Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકસ 2024માં વિનેશ ફોગાટે પોતાના પ્રદર્શનને કારણે વિશ્વભરના રમતપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. વિનેશ ફોગટ ભારતની પહેલી મહિલા રેસલર હતી કે જે કુશ્તીની ફાઇનલમાં પહોંચી હતી. જો કે તે ફાઈનલ મેચ રમીને ઈતિહાસ રચે તે પહેલા જ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જેને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ વિનેશે કુશ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે વિનેશ પેરિસથી આજે ભારત પરત ફરી છે, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પરંતુ, ભારત પરત ફરતા પહેલા જ તેના જીજાજી અને તેની બહેને તેની પર કટાક્ષ કર્યો હતો.
ભારત પરત ફરતા પહેલા વિનેશે સોશિયલ મીડિયા પર 3 પેજની પોસ્ટ કરી છે. જેમાં તેણે પોતાના સંઘર્ષની વિસ્તૃત વાત કહી હતી. વિનેશે આ પોસ્ટમાં એવા લોકોના નામ લખ્યા છે કે જેઓ મુશ્કેલીના સમયમાં તેની સાથે રહ્યા હતા. પરંતુ તેમાં વિનેશે તેના કાકા મહાવીર ફોગટનું નામ ક્યાંય લખ્યું નથી. મહાવીર ફોગટને વિનેશના બાળપણના કોચ હોવાનું કહેવામાં આવે છે. વિનેશ ફોગાટે પોતાની પોસ્ટમાં કાકાના નામનો ઉલ્લેખ ન કરવા બદલ વિનેશ પર નિશાન સાધ્યું છે.
તેનું ગોલ્ડ મેડલ વિજેતા જેવું જ સ્વાગત કરવામાં આવશે
પેરિસ ઓલિમ્પિકસ 2024માંથી જ્યારે વિનેશ ફોગટને અયોગ્ય ઠેરવવામાં આવી ત્યારે મહાવીર ફોગાટે નિયમોને લઈને ઘણાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) વિનેશની તરફેણમાં નિર્ણય આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. જો કે વિનેશની અપીલને સીએએસ દ્વારા નકારી કાઢવામાં આવી હતી, ત્યારે પણ મહાવીર ફોગાટ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે વિનેશ ફોગાટ જયારે પરત ફરશે ત્યારે તેનું ગોલ્ડ મેડલ વિજેતા જેવું જ સ્વાગત કરવામાં આવશે.
વિનેશ ફોગટના જીજાજી અને ગીતા ફોગાટના પતિ પવન સરોહાએ વિનેશની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, 'વિનેશ, તેં બહુ સારું લખ્યું છે પણ કદાચ આજે તું તારા કાકા મહાવીર ફોગાટને ભૂલી ગઈ છે. જેમણે તમારી કુશ્તીની કારકિર્દી શરૂ કરી હતી, ભગવાન તને શુદ્ધ બુદ્ધિ આપે.'
જીજાજી બાદ વિનેશ ફોગટની બહેન ગીતા ફોગટે પણ તેણે આ બાબતે ટોણો માર્યો હતો. ગીતા ફોગાટે સોશિયલ મીડિયા પર લખ્યું કે ' કર્મોનું ફળ એકદમ સરળ છે, છેતરપિંડીનું ફળ છેતરપિંડી', જો કે ગીતાએ આ પોસ્ટમાં વિનેશનું નામ નથી લીધું, પરંતુ તેની પોસ્ટ વિનેશ ફોગાટ સાથે જોડાયેલી હતી તેવું કહેવાઈ રહ્યું છે.