'વિરાટ અને રોહિત ક્રિકેટથી દૂર રહે...', દિગ્ગજ કાંગારુ બોલરની સલાહથી ફેન્સ-નિષ્ણાતો વિચારતા થયા
Brett Lee Advised Virat Kohli and Rohit Sharma: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને બેટર વિરાટ કોહલીને મોટી સલાહ આપી છે. બ્રેટ લીએ ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન બાદ બંને ક્રિકેટરને બ્રેક લેવાની અને 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થનારી 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે સમયસર તૈયારી કરી લેવાની સલાહ આપી છે.
ભારત ઘરઆંગણે 0-3થી હાર્યું
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 93 રન અને રોહિતે 91 રન બનાવ્યા હતા. આ બંને બેટર્સના ખરાબ પ્રદર્શનના કારણે ભારતને ઘરઆંગણે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતમાં કિવી ટીમની આ પ્રથમ સિરીઝ જીત છે.
કોહલી અને રોહિતને બ્રેટ લીએ આપી આ સલાહ
આ હાર બાદ વિરાટ અને રોહિતને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની હાઈ-પ્રોફાઈલ સિરીઝ પહેલા ઘરઆંગણે હારવું એ સારા સમાચાર નથી. એટલા માટે બ્રેટ લીએ સલાહ આપી કે કોહલી અને રોહિત આ હારને તેમના મગજમાંથી કાઢી નાખે અને નવી શરૂઆત કરે. બ્રેટ લીનું માનવું છે કે ભારતની નબળી બેટિંગનું એક કારણ ટીમનું આક્રમક વલણ હતું. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના બોલરો પર વર્ચસ્વ જમાવવા માંગતો હતો.
રોહિત અને વિરાટ નવી શરૂઆત કરે
બ્રેટ લીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'લોકો એવી કરી રહ્યા હતા કે ભારત 3-0થી જીતશે. પરંતુ મે પણ 3-0ની આગાહી કરી હતી, પરંતુ એવું થયું નહી. ભારતની બેટિંગને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. જે રીતે તેઓ સ્પિનની સામે 37 વિકેટ ગુમાવીને પડી ગયા, એવું લાગી રહ્યું હતું કે ભારત વધુ પડતું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવા શોટ્સ રમવામાં આવી રહ્યા હતા જે તેમની સામાન્ય ક્રિકેટ પેટર્નથી અલગ હતી.'
આ પણ વાંચો: એક વર્ષ બાદ કમબેક કરશે મોહમ્મદ શમી : બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા થયો ફિટ, ફેન્સ ખુશખુશાલ
વિરાટ અને રોહિત બેસ્ટ ખેલાડીઓ
આ વિષે બ્રેટ લીએ વધુમાં કહ્યું કે, 'જો તમે હિટમેન અને કિંગ કોહલીની ગેમ પર ધ્યાન આપો તો, તેઓએ સિરીઝમાં 90-90 રન બનાવ્યા હતા. તે આના કરતા ઘણા સારા ખેલાડી છે. તેઓ શા માટે નિષ્ફળ ગયા તે સમજાવવું મુશ્કેલ છે. જો તમે જોશો કે રોહિત ઝડપી બોલરો સામે કેવી રીતે આઉટ થયો, તો હું એમ ન કહી શકું કે તેમાં કોઈ ટેકનિકલ ખામી છે. મે તેને છેલ્લા એક દાયકાથી રમતા જોયા છે અને મને હજુ પણ લાગે છે કે તે વર્લ્ડ ક્રિકેટના બેસ્ટ ખેલાડીઓમાંથી એક છે. પરંતુ કદાચ તેઓ થોડા વધુ આક્રમક છે.
મને ખાતરી છે કે રોહિત ઓસ્ટ્રેલિયન ટીમ માટે તૈયાર રહેશે: બ્રેટ લી
લીએ કહ્યું, 'જ્યારે તમે સતત ખરાબ રન બનાવો છો, ત્યારે તમારા પર પ્રેશર વધી જાય છે. મને લાગે છે કે હવે ખેલાડીઓએ વિરાટ અને રોહિત સાથે ફરી સ્ટ્રેટેજી બનાવવી પડશે. તમારી ટેકનિક પર કામ કરો, ફ્રેશ રહો, હાલ બને તેટલું ક્રિકેટથી દૂર રહો અને પછી જ્યારે ઓસ્ટ્રેલિયા જાઓ ત્યારે પૂરી તાકાતથી રમો. હું તમને ખાતરી આપી શકું છું કે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરો નવા બોલથી રોહિત પર હુમલો કરશે. મેં રોહિતને ઘણો રમતા જોયો છે અને મને લાગે છે કે તે ઓસ્ટ્રેલિયન ટીમ માટે તૈયાર રહેશે.'