IND vs AUS : તુ તુ મેં મેં મેં બાદ સિરાજ અને હેડે ફરી ચાલુ મેચમાં કરી વાતચીત, પછી ગળે મળ્યા, જુઓ વીડિયો
IND vs AUS : એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચના બીજા દિવસે મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. જ્યારે સિરાજે હેડને ક્લીન બોલ્ડ કરી દીધો ત્યારે હેડે તેને કંઈક કહેતો જોવા મળ્યો હતો. ત્યાર પછી સિરાજે હેડને ડ્રેસિંગ રૂમ તરફ જવાનો ઈશારો કર્યો હતો. આ ઘટનાએ સોશિયલ મીડિયામાં ભારે ચકચાર મચાવી હતી. પરંતુ ત્યારબાદ સિરાજ અને હેડ ફરી વાત કરતા જોવા મળ્યા હતા.
સિરાજ અને હેડે ફરીથી વાતચીત કરી
સિરાજ અને હેડ વચ્ચે થયેલી આ બોલાચાલી અહીં અટકી ન હતી. જ્યારે સિરાજ બીજી ઇનિંગમાં ભારત તરફથી બેટિંગ કરવા આવ્યો ત્યારે ટ્રેવિસ હેડ ફરી એકવાર તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ત્યારે બંને વચ્ચે વાતચીત થઈ હતી. અને પછીથી તેઓ એકબીજાને ગળે પણ મળ્યા હતા. હવે તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
ટેસ્ટના બીજા દિવસે જ્યારે સિરાજે સદી ફટકારનાર ટ્રેવિસ હેડને ક્લીન બોલ્ડ કર્યો ત્યારે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. ક્લીન બોલ્ડ થયા બાદ હેડને કદાચ તેની આ ઉજવણી પસંદ ન આવી અને તે સિરાજ સામે કેટલાક અપશબ્દો બોલતો જોવા મળ્યો હતો. જો કે, હેડે બીજા દિવસની સમાપ્તિ પછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેણે સિરાજને ખરાબ શબ્દ નહીં પરંતુ 'વેલ બોલ' કહ્યું હતું.
હેડના નિવેદન પર સિરાજે આપી પ્રતિક્રિયા
હેડે આપેલા નિવેદન બાદ હવે આ અંગે સિરાજે હરભજન સિંહ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, 'તેણે મને સારી બોલિંગ અંગે કહ્યું ન હતું. એવું કંઈ થયું નથી. તેને આઉટ કર્યા બાદ જ્યારે મેં ઉજવણી કરી ત્યારે તેણે મને કંઈક કહ્યું જેનાથી મને ગુસ્સો આવ્યો અને તેણે બહાર જવા ઈશારો કર્યો હતો.'
ઓસ્ટ્રેલિયાએ એડિલેડના મેદાનમાં 10 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. હવે ભારતીય ટીમ 14મી ડિસેમ્બરથી બ્રિસબેનમાં સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રમશે.