સિરાજ અને હેડની બબાલમાં કૂદ્યો કમિન્સ, કહ્યું- તેમને જે કરવું હોય કરે, મને મારા ખેલાડીની ચિંતા
Representative image |
IND Vs AUS, Pat Cummins : ઓસ્ટ્રેલીયાના એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે થયેલી બોલાચાલીનો પ્રસંગ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. જો કે, ત્રીજા દિવસે સિરાજ અને હેડે ગેરસમજ દૂર કરી હતી. બાદમાં બંને ખેલાડી એકબીજાને ગળે પણ મળ્યા હતા. બંને વચ્ચેની બોલાચાલી અંગે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આ મામલામાં મારે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. હેડ સિનિયર ખેલાડી છે, અને તે પોતાની વાત રાખી શકે છે.' હેડે આ ટેસ્ટમાં 140 રનની ઇનિંગ રમી હતી. જે મેચના પરિણામમાં નિર્ણાયક રહી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી સીરિઝમાં બરાબરી કરી લીધી છે.
શું કહ્યું ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે?
કમિન્સે મેચ બાદ પત્રકારોને કહ્યું હતું કે, 'ટ્રેવિસ હેડ ટીમનો વાઈસ-કેપ્ટન છે, તે એક પરિપક્વ વ્યક્તિ છે. અને તેની ભૂમિકા મોટી છે. તે પોતાના વિશે વાત કરી શકે છે. અમે કોઈપણ નિર્ણય અમારા ખેલાડીઓ પર છોડી દઈએ છીએ. જો ક્યારેય કેપ્ટન તરીકે મને હસ્તક્ષેપ કરવાની જરૂર પડશે તો હું કરીશ પરંતુ મારી ટીમમાં મને ક્યારેય લાગ્યું નથી કે મારે આવું કરવાની જરૂર છે. આ એક મોટી સીરિઝ છે. અમ્પાયરોએ તરત જ હસ્તક્ષેપ કર્યો અને વિવાદ ત્યાં જ ખતમ થઈ ગયો. તેમણે જે કરવું હોય તે કરે હું મારા ખેલાડીઓ વિશે વધુ ચિંતિત છું. દર અઠવાડિયેની જેમ આ અઠવાડિયે પણ અમારા ખેલાડીઓનું વર્તન ઘણું સારું રહ્યું હતું.'
ઇનિંગ્સમાં જે કઈ થયું તેનાથી હું નિરાશ- હેડ
સિરાજ સાથેની બોલાચાલી અંગે બીજા દિવસની રમત બાદ હેડે કહ્યું હતું કે, 'મેં તેને કહ્યું હતું કે તે સારી બોલિંગ કરી છે. પણ તેણે કંઈક બીજું જ વિચારી લીધું હતું, અને તેણે મને બહાર જવા ઈશારો કર્યો. છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં જે કઈ થયું તેનાથી હું થોડો નિરાશ છું.'
સિરાજે આપી પ્રતિક્રિયા
જો કે સિરાજે પ્રતિક્રિયા આપતા હેડને જૂઠો ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, 'તમે ટીવી પર જોઈ શકો છે કે તેણે મને ખરેખર શું કહ્યું. તેને આઉટ કર્યાની ઉજવણી કરવાની મેં શરૂઆત કરી ત્યારે તેણે મને કંઇક કહ્યું હતું. હું કોઈનો અનાદર કરતો નથી. હું દરેક ક્રિકેટરનું સન્માન કરું છું. ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે પરંતુ આઉટ થયા બાદ તેણે જે વર્તન કર્યું તે ખોટું હતું.'