બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા જસપ્રીત બુમરાહની મોટી જાહેરાત
Image Source: Twitter
Jasprit Bumrah Press Conference IND vs AUS: પર્થમાં ઑસ્ટ્રેલિયા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમવા માટે ભારતીય ટીમ તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ 22થી 26 નવેમ્બર દરમિયાન રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. વર્ષ 2018-19 અને 2020-21માં સતત બે સીરિઝ જીતીને ભારતે પોતાને સાબિત કર્યું હતું, પરંતુ હાલમાં જ ન્યુઝીલેન્ડે જે રીતે ભારતને ઘરઆંગણે હરાવ્યું છે તેનાથી ચોક્કસપણે ભારતીય ટીમ પરેશાન છે. આ તમામ સંભાવનાઓ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલ જસપ્રીત બુમરાહે પર્થ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેણે પ્રેસ કોન્ફરન્સમાં તમામ સવાલોના ખુલ્લેઆમ જવાબ આપ્યા છે. આ દરમિયાન બુમરાહે મોહમ્મદ શમીની વાપસી અંગે મોટી જાહેરાત કરી છે.
મોહમ્મદ શમી આ ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો
જસપ્રીત બુમરાહે શમીની વાપસી અંગે કહ્યું કે, 'મોહમ્મદ શમી આ ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેણે બોલિંગ શરૂ કરી દીધી છે અને મેનેજમેન્ટ તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે, આશા છે કે, તમે તેને અહીં જોશો.' 'હું કેપ્ટન તરીકે મારી જાતને શ્રેષ્ઠ રીતે મેનેજ કરી શકું છું કારણ કે મને ખબર છે કે મારે ક્યારે વધારાની જવાબદારી લેવાની છે.'
આ પણ વાંચો: થોડું જ્ઞાન ભવિષ્ય માટે પણ બચાવી રાખો: સંજય માંજરેકર પર કેમ ભડક્યો શમી?
રોહિત-વિરાટ અંગે બુમરાહે શું કહ્યું
રોહિત અને વિરાટ અંગે બુમરાહે કહ્યું કે, 'રોહિત શર્મા અમારો કેપ્ટન છે અને તેણે શાનદાર કામ કર્યું છે. મેં વિરાટ કોહલીના નેતૃત્વમાં ડેબ્યૂ કર્યું છે, તે ટીમમાં એક લીડર છે. તે સૌથી મહાન ખેલાડીઓમાંથી એક છે. તે અમારી ટીમનો સૌથી પ્રોફેશનલ ખેલાડી છે અને નેટમાં શાનદાર દેખાઈ રહ્યો હતો.'