પેરિસ ઓલિમ્પિક : સેમિ ફાઇનલ પહેલા ભારતને સૌથી મોટો ઝટકો, હોકીના સ્ટાર ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય હોકી ટીમને ઝટકો લાગ્યો છે. સેમિ ફાઈનલ મેચ પહેલા ટીમના ડિફેન્ડર અમિત રોહીદાસ પર એક મેચ માટે પ્રતિબંધ લાગવી દેવાયો છે. આ નિર્ણય ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) દ્વારા લેવામાં આવ્યો છે. રોહિદાસને બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ ઘટના મેચના બીજા ક્વાર્ટરમાં બની હતી. ત્યારબાદ લગભગ 42 મિનિટની રમત બાકી હતી. અમિતની હોકી સ્ટીકથી વિરોધી ટીમના ખેલાડીને ઈજા થઈ હતી. ભારતીય હોકી ટીમ 10 ખેલાડીઓ સાથે રમતા બ્રિટનને હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ભારત સેમિ ફાઇનલમાં જર્મની સામે ટકરાશે
ભારતે આગામી તેની સેમિ ફાઇનલ મેચ જર્મની સામે રમશે. જર્મની હાલમાં હોકીનું વર્લ્ડ ચેમ્પિયન છે. અમિત રોહિદાસ આ મેચમાં રમી શકશે નહીં. અમિત પર લાગેલો પ્રતિબંધ ભારતીય ટીમ માટે બહુ મોટો ઝટકો છે. ભારત માટે ઓલિમ્પિકસમાં અત્યાર સુધીની દરેક મેચમાં ડિફેન્ડરે શરૂઆત કરી છે, અને તે ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. અમિત પાસે 10 વર્ષથી વધુનો અનુભવ છે. તેણે 2013માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 184 મેચ રમી ચૂક્યો છે.
આ પણ વાંચો: 100 ટેસ્ટ મેચ રમી ચૂકેલા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરના નિધનથી રમતજગતમાં શોક
ભારત માત્ર 15 ખેલાડીઓ સાથે રમશે
ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'અમિત રોહીદાસ ને એફાઈઆઇએચની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ ઘટના 4 ઓગસ્ટ 2024 ના રોજ ભારત અને બ્રિટન વચ્ચે મેચ નંબર M32 દરમિયાન બની હતી. પ્રતિબંધ મેચ નંબર M35 પર લાગુ થશે. જે 6 ઓગસ્ટ 2024 ના રોજ યોજાવાની છે, જેમાં અમિત ભાગ લઇ શકશે નહીં. ભારત માત્ર 15 ખેલાડીઓની ટીમ સાથે રમશે.