ટીમ ઈન્ડિયામાં મોટા ફેરબદલ: મેલબર્ન ટેસ્ટ પહેલા અચાનક જ સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રી
IND Vs AUS, Tanush Kotian : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે આ ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1 થી બરાબર છે. હવે બંને ટીમો વચ્ચે સીરિઝની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે 26 ડિસેમ્બરથી રમાશે. ભારતીય સમય અનુસાર આ ડે ટેસ્ટ મેચ સવારે 5 વાગ્યે શરૂ થશે.
આગામી ટેસ્ટ મેચ માટે તનુષ કોટિયનનો ટીમમાં સમાવેશ
મેલબોર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના ઓલરાઉન્ડર તનુષ કોટિયનને આ સીરિઝની બાકીની બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 26 વર્ષીય તનુષ જમણા હાથથી ઓફ સ્પીન બોલિંગ કરે છે. આ ઉપરાંત તે એક સારો બેટર પણ છે. તનુષે હવે રવિચંદ્રન અશ્વિનનું સ્થાન લીધું છે. અશ્વિને ગાબા ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું
તનુષ કોટિયનની ક્રિકેટ કારકિર્દી
વર્ષ 2018-19ની રણજી સિઝનમાં તનુષ કોટિયને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનું ડેબ્યૂ કર્યું હતું. કોટિયને અત્યાર સુધી 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં 25.70ની સરેરાશથી 101 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે 3 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી લીધી હતી. બેટિંગની વાત કરીએ તો તેણે 41.21ની સરેરાશથી 1525 રન બનાવ્યા છે. આ સિવાય કોટિયને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે. આ સિવાય તે 20 લિસ્ટ-A અને 33 T20 મેચ પણ રમી ચૂક્યો છે. લિસ્ટ-A મેચોમાં કોટિયને 43.60ની સરેરાશથી 20 વિકેટ ઝડપી છે. અને T20 મેચમાં તેણે 20.03ની સરેરાશથી 33 વિકેટ લીધી છે. તનુષ કોટિયાને લિસ્ટ-A મેચોમાં 90 રન અને T20 મેચોમાં 87 રન બનાવ્યા છે. ઘરેલું ક્રિકેટમાં કોટિયને રણજી ટ્રોફી 2023-24ની સિઝનમાં તેણે બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં તનુષ કોટિયન 120 રન કરીને સદી ફટકારી હતી.
મુંબઈનો રહેવાસી છે તનુષ કોટિયન
તનુષ કોટિયનનો જન્મ મુંબઈમાં થયો હતો. જો કે તેનો પરિવાર મૂળ દરિયાકાંઠાના કર્ણાટકનો છે. કોટિયનના પિતા કરુણાકર અને માતા મલ્લિકા કોટિયન ઉડુપી જિલ્લાના પંગાલાના છે. કોટિયન માત્ર મુંબઈ માટે ઘરેલું ક્રિકેટ જ નહી પરંતુ ભારત માટે અંડર-19 ટીમ માટે પણ રમી ચૂક્યો છે. તે ભારત-A ટીમના તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પણ એક ભાગ હતો.
આ પણ વાંચો : અશ્વિન સાથે અન્યાય, વાઇસ કેપ્ટન પણ બનવા ન દીધો: ટીમ મેનેજમેન્ટ પર ભડક્યા સુનિલ ગાવસ્કર
ઓસ્ટ્રેલિયા સામેની ભારતીય ટીમની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઇશ્વરન, દેવદત્ત પડિકકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, તનુષ કોટિયન