ઋતુરાજ સાથે પક્ષપાત કરાયો, ગિલ ફૉર્મમાં નથી છતાં ટીમમાં...: પૂર્વ સ્ટાર ક્રિકેટરે લગાવ્યા ગંભીર આરોપ
Image: Facebook
T20 World Cup 2024: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર બેટ્સમેન કૃષ્ણમાચારી શ્રીકાંતે આગામી ટી20 વર્લ્ડ કપ 2024 માટે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની અવગણનાને લઈને BCCI પર નિશાન સાધ્યું છે. ઋતુરાજ ગાયકવાડ વર્તમાન IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લિસ્ટમાં સામેલ છે, પરંતુ તેમ છતાં તેને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સાથે જ શ્રીકાંત શુભમન ગિલને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવાને લઈને ખુશ નથી. શ્રીકાંતે ટીમ મેનેજમેન્ટ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે કહ્યું કે ગિલને ત્યારે પણ તક મળતી રહે છે, જ્યારે તે કોઈ ફોર્મમાં સારુ પ્રદર્શન કરી રહ્યો ન હોય.
શ્રીકાંતે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયોમાં કહ્યું, 'શુભમન ગિલ સંપૂર્ણ રીતે આઉટ ઓફ ફોર્મ છે પરંતુ તેને ટીમમાં કેસ પસંદ કરવામાં આવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે ઋતુરાજ ગાયકવાડ એક સ્થાનના હકદાર છે. તેણે 17 ઈનિંગમાં 500થી વધુ રન બનાવ્યાં છે. આ સિવાય તેણે ઓસ્ટ્રેલિયાની સામે સદી પણ ફટકારી છે. શુભમન ગિલ સેલેક્ટર્સ માટે મનપસંદ ખેલાડી છે. જો તે નિષ્ફળ થાય છે તો પણ તેને તક મળે છે. ટેસ્ટ, વનડે અને ટી20માં નિષ્ફળ થવા છતાં તેને સ્થાન મળે છે. પસંદગીમાં ખૂબ વધુ પક્ષપાત છે.'