ભુવનેશ્વર કુમારનો T20 સ્પેલ: 4-1-4-0, UP T20 ટુર્નામેન્ટની એક મેચમાં માત્ર 4 રન આપ્યા!

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ભુવનેશ્વર કુમારનો T20 સ્પેલ: 4-1-4-0, UP T20 ટુર્નામેન્ટની એક મેચમાં માત્ર 4 રન આપ્યા! 1 - image


UP T20 League, Bhuvneshwar Kumar: ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હાલમાં ઉત્તર પ્રદેશ T20 લીગમાં રમી રહ્યો છે. લખનૌ ફાલ્કન્સ તરફથી રમી રહેલા ભુવનેશ્વરે 6 સપ્ટેમ્બરેના રોજ કાશી રુદ્રરાજ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મેચમાં શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં માત્ર ચાર રન જ આપ્યા હતા. તેણે એક મેડન ઓવર પણ નાખી હતી. જો કે તે કોઈપણ વિકેટ લેવામાં સફળ થયો ન હતો. ભુવનેશ્વરની શાનદાર બોલિંગને કારણે કાશીની ટીમ 111 રનનો નજીવો સ્કોર જ કરી શકી હતી. જેની સામે લખનૌના બેટરોએ એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

કાશી સામેની મેચમાં ભુવનેશ્વરએ પહેલી બે ઓવરમાં માત્ર બે રન જ આપ્યા હતા. જ્યારે બીજી બાજુથી તેની સાથે બોલિંગ કરી રહેલા અભિનંદન સિંહે બે ઓવરમાં 18 રન આપ્યા હતા. આ સ્થિતિમાં લખનૌના કેપ્ટન પ્રિયમ ગર્ગે પોતાના સૌથી અનુભવી બોલરને ફરીથી બોલિંગ કરવા આપી હતી. ભુવનેશ્વરએ કેપ્ટનને નિરાશ ન કરતા બે ઓવરમાં એક મેડન ઓવર અને બીજી ઓવરમાં માત્ર 2 રન જ આપ્યા હતા. જેના કારણે કાશીની ટીમ પાવરપ્લેમાં માત્ર 23 રન જ બનાવી શકી હતી. કાશી તરફથી પ્રિન્સ યાદવે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. જ્યારે ઘનશ્યામ ઉપાધ્યાયે 25 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટર ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા.

ભુવનેશ્વરની શાનદાર બોલિંગનો ફાયદો તેના સાથી બોલર અભિનંદન અને કિશન કુમાર સિંહને થયો હતો. બંનેએ ત્રણ-ત્રણ વિકેટો ઝડપવામાં સફળ રહ્યા હતા. અભિનંદને 31 રન જ્યારે કિશને માત્ર 11 રન આપીને બેટરને પવેલિયન ભેગા કર્યા હતા. ત્રણ બેટર રન આઉટ થયા હતા. સમર્થ સિંહના 55 રન અને વિપરાજ નિગમના 26 રનના આધારે લખનૌએ 13.5 ઓવરમાં જ લક્ષ્ય હાંસિલ કરી લીધું હતું. લખનૌ તરફથી એકમાત્ર વિકેટ પાર્થ પાલાવતના રૂપમાં પડી હતી.

આ પણ વાંચો: હવે તારી ઉંમર થઇ...' સતત ફ્લોપ થઇ રહેલા બાબરને દિગ્ગજ ક્રિકેટરે આપી વણમાગી સલાહ

હાલમાં ભુવનેશ્વરે કુમાર ભારતીય ક્રિકેટ ટીમથી બહાર ચાલી રહ્યો છે. તેણે છેલ્લે નવેમ્બર 2022માં T20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ મેચમાં ભારત માટે રમ્યો હતો. જો કે ભુવનેશ્વરની T20 કારકિર્દીમાં શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. તેણે 7.30ની ઈકોનોમી સાથે T20 ફોર્મેટમાં 299 વિકેટ ઝડપી હતી. T20 ફોર્મેટમાં 250 વિકેટ ઝડપનાર તમામ બોલરોમાં ભુવનેશ્વર પાંચમો સૌથી ઈકોનોમિકલ બોલર છે.


Google NewsGoogle News