ભારતના 'સ્વિંગના સુલ્તાન'ની મેદાન પર ધમાકેદાર વાપસી, રણજી ટ્રોફીમાં પહેલા જ દિવસે જલવો
ભુવનેશ્વર કુમાર T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર છે
ભુવીએ 6 વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરી છે
Image:Social Media |
Bhuvneshwar Kumar in Ranji Trophy 2024 : ભારતીય ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે રણજી ટ્રોફીમાં બંગાળની સામે રમાયેલી રહેલી મેચમાં ધૂમ મચાવી હતી. આ રીતે 'સ્વિંગના સુલતાન' તરીકે જાણીતા ભુવનેશ્વરે 6 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરી હતી. યુપી તરફથી રમતા ભુવીએ બંગાળ સામેની રણજી ટ્રોફી મેચમાં પહેલા જ દિવસે 5 વિકેટ ઝડપી હતી.
ભુવીએ 5 વિકેટ ઝડપી
ભુવનેશ્વર કુમારે પોતાની શાનદાર સ્વિંગના દમ પર બંગાળના બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યા હતા. પહેલા દિવસે ભુવનેશ્વરે 13 ઓવરમાં માત્ર 25 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ભુવી નવેમ્બર 2022થી ભારતીય ટીમથી બહાર છે. તેણે ટેસ્ટ ક્રિકેટ વર્ષ 2018માં રમી હતી.
યુપીની ટીમ માત્ર 60 રનના સ્કોર પર સમેટાઈ
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી આ મેચમાં બંગાળના કેપ્ટન મનોજ તિવારીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતારેલી યુપીની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 60 રન જ બનાવી શકી હતી. શમીના નાના ભાઈ મોહમ્મદ કૈફે 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ પ્રથમ દિવસના અંત સુધી બંગાળની ટીમે 5 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા.
T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર છે ભુવી
બંગાળની ટીમે પહેલા દિવસના અંતે 35 રનની લીડ મેળવી લીધી હતી. રસપ્રદ વાત એ છે કે બંગાળની 5 વિકેટ ભુવનેશ્વર કુમારે ઝડપી હતી. ભુવીની વાત કરીએ તો તેણે 21 ટેસ્ટ, 121 વનડે અને 87 T20I મેચ રમી છે. તેણે ટેસ્ટમાં કુલ 63, વનડેમાં 141 અને T20I કરિયરમાં 90 વિકેટ લીધી છે. T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ પછી તે ભારતનો બીજો બોલર છે.