ઓલિમ્પિક : ભારતની ટીમમાં ૧૧૯ ખેલાડી ને ૧૦૯ ઓફિશિઅલ્સ સામેલ
- તલવારબાજ ભવાનીની માતાને મેેનેજર બનાવાઈ
- માનિકા બત્રાના અંગત કોચ અને સાઈ પ્રણિતના ઈન્ડોનેશિયન કોચ પણ ટીમમાં જોડાશે
નવી દિલ્હી, તા.૧૩
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતે ૧૧૯ ખેલાડીઓ અને ૧૦૯ ઓફિસિઅલ્સ એમ કુલ ૨૨૮ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓમાંથી ૬૭ પુરુષ ખેલાડી અને ૫૨ મહિલા ખેલાડી છે. ભારતથી પ્રથમ તબક્કામાં ૯૦ ખેલાડીઓ-ઓફિસિઅલ્સ તારીખ ૧૭મી જુલાઈએ ટોક્યો માટે રવાના થશે.
ભારતની ઓલિમ્પિક ટીમમાં મહિલા તલવારબાજ ભવાની દેવીની માતાને તલવારબાજી ટીમની મેનેજર તરીકે સામેલ કરવામાં આવી છે. જ્યારે ટેબલ ટેનિસ ખેલાડી માનિકા બત્રાના અંગત કોચ સન્મન પરાંજપે અને બેડમિંટન ખેલાડી સાઈ પ્રણિતના ઈન્ડોનેશિયન કોચને પણ ભારતીય ટીમમાં સમાવવામાં આવ્યા છે. ભવાનીના માતા સી.એ. સુદરરામન રામાની અને પરાજંપેને એક્સ્ટ્રા ઓફિશિઅલ તરીકે ટીમમાં સમાવાયા છે. જેના કારણે તેમનો ખર્ચ સરકાર નહી પણ ભારતીય ઓલિમ્પિક સંઘ ઉઠાવશે.
સિંધુના કોરિયન કોચ પાર્ક ટાઈ સાંગ અને ફિઝિયોને ઓફિસિઅલ ટીમમાં સમાવવામાં આવ્યા છે. સાનિયા અને અંકિતાની જોડીના કોચ ઝિશાન અલીને ઓલિમ્પિક ટીમમા સ્થાન મળ્યું નથી. મેરી કોમના કોચ છોટેલાલ યાદવ ભારતની ટોકયો જનારી ટીમમાં છે, પણ અમિત પંઘાલના કોચ અનિલ ધાનકરને પડતા મૂકવામાં આવ્યા છે.