ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા શમીએ મનપસંદ વાનગી ખાવાનું છોડવું પડ્યું, કોચે જણાવ્યું કારણ
Image Source: Twitter
Mohammed Shami Strict Diet: ઈજાને કારણે 14 મહિના સુધી મેદાનની બહાર રહ્યા બાદ હવે મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની T20 સીરિઝ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આ અનુભવી બોલરને તેની ઈન્જરીમાંથી સાજા થવામાં ઘણો સમય લાગ્યો છે, જેમાં પગની ઘૂંટી અને ડાબા ઘૂંટણની ઈજા સામેલ છે. ગત વર્ષે રણજી ટ્રોફીમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરતા શમીએ સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી હતી. હવે બંગાળ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલિંગ કોચ શિવ શંકર પોલે તેમના વિશે એક મોટો ખુલાસો કર્યો છે.
શમી વાપસીનો ભૂખ્યો હતો
એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, 'ફાસ્ટ બોલરોને ઈજાઓમાંથી સ્વસ્થ થવામાં સમય લાગે છે. પરંતુ તે વાપસી માટે એટલો ભૂખ્યો હતો કે મેચ પૂરી થયા બાદ પણ બોલિંગ કરવા માંગતો હતો. આ એક ખેલાડીનું શાનદાર ડેડિકેશન છે. કેટલાક ખેલાડીઓ મેચ પછી 30 થી 45 મિનિટ સુધી બોલિંગ કરવા માંગે છે.' તે ઘરેલુ T20 મેચ દરમિયાન મેચના દિવસોમાં ટીમના પહોંચવા પહેલા સવારે 6:00 વાગ્યે મેદાન પર પહોંચનાર પ્રથમ ખેલાડી પણ હતો.'
મોહમ્મદ શમીએ બિરિયાની ખાવાનું છોડી દીધું
ફાસ્ટ બોલિંગ કોચે એ પણ ખુલાસો કર્યો કે, શમીએ વાપસી માટે પોતાની મનપસંદ 'બિરિયાની' ખાવાનું છોડી દીધું છે અને છેલ્લા બે મહિનાથી તે નથી ખાધી. તે દિવસમાં ફક્ત એક જ વાર ખાતો હતો અને ફરીથી ફિટ થવા માટે કડક ડાયટનું પાલન કરતો હતો. ત્યારબાદ આ સિનિયર ફાસ્ટ બોલરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું.
આ પણ વાંચો: IND vs ENG: સીરિઝની પહેલી જ મેચમાં ડેબ્યૂ કરી શકે IPLનો સ્ટાર, જુઓ સંભવિત પ્લેઈંગ-11
છેલ્લી વાર વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં રમ્યો હતો શમી
પોલે કહ્યું કે, શમી કડક ડાયટ પર હતો. મેં તેને દિવસમાં ફક્ત એક જ વાર ખાતા જોયો છે. તેને બિરિયાની ખૂબ પસંદ છે પરંતુ જ્યારથી તે પાછો ફર્યો છે, ત્યારથી મેં તેને છેલ્લા બે મહિનામાં બિરિયાની ખાતા નથી જોયો. તમને જણાવી દઈએ કે, શમીની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે 2023 વન ડે વર્લ્ડ કપ ફાઈનલ હતી. હવે સમગ્ર ટીમ મેનેજમેન્ટને આશા છે કે ઘરેલુ ક્રિકેટની જેમ શમી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ શાનદાર વાપસી કરશે, કારણ કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા હજુ પણ ટીમને ટેન્શન આપી રહી છે.