IPL ઓક્શન પહેલાં જ સનરાઈઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ
Dale Steyn Quit IPL: IPL 2025ની 18મી સિઝન માટે તમામ ટીમે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક ટીમે પોતાના રિટેન કરેલા ખેલાડીને લઈને વ્યૂહનીતિ બનાવી રહી છે. અમુક ટીમે તો પોતાના કોચિંગ સ્ટાફમાં પણ બદલાવ કર્યો છે. આ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ડેલ સ્ટેને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો સાથ છોડવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી છે.
સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપતા ડેલ સ્ટેને લખ્યું, 'હું સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો આભાર માનું છું, તેણે મને બોલિંગ કોચની જવાબદારી આપી. હું IPL 2025 માટે પરત નહીં આવું. હું દક્ષિણ આફ્રિકામાં SA20 સનરાઇઝર્સ ઈસ્ટન કેપ સાથે કામ કરતો રહીશ. હું SA20માં સનરાઇઝર્સ ઈસ્ટન કેપને સતત ત્રીજીવાર ટ્રોફી જીતાડવાનો પ્રયાસ કરતો રહીશ.'
જણાવી દઈએ કે, ડિસેમ્બર 2021માં ડેલ સ્ટેનને સનરાઇઝર્સ હૈદરાબાદે બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. તે છેલ્લી ત્રણ સિઝનથી ટીમનો બોલિંગ કોચ હતો. આઈપીએલ 2024માં તેણે ટીમના નવા કેપ્ટન કમિન્સ સાથે પણ કામ કર્યું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદે 2024માં બદલ્યો હતો હેડ કોચ
2024 રમાયેલી આઈપીએલ સિઝન પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર કર્યાં હતાં. બ્રાયન લારાની જગ્યાએ ડેનિયલ વિટોરીને નવો હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ પણ ડેલ સ્ટેનને કાયમ રાખવામાં આવ્યો હતો. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હવે કોને નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરે છે.