BCCIનો નવો નિયમ: હવે ભારતીય ખેલાડી પોતાના સિક્યોરિટી ગાર્ડ, કુકને સાથે વિદેશ નહીં લઈ જઈ શકે
BCCI's new rule : ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શરમજનક હાર બાદ BCCIએ ભારતીય ખેલાડીઓ સામે કડક વલણ અપનાવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય ટીમના ખેલાડીઓ તેમના કુક, હેર સ્ટાઈલિસ્ટ, અને પર્સનલ સિક્યોરિટી ગાર્ડને સાથે લઈ જઈ શકશે નહીં. અગાઉ BCCI એ એક નવો નિયમ બનાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ ટીમ સાથે મુસાફરી કરી શકશે નહીં.
હવે કુક અને સિક્યુરિટી ગાર્ડ ખેલાડી લઈ જઈ શકશે નહીં
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, BCCI એ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. તાજેતરમાં BCCI એ ખેલાડીઓના પરિવારો માટે કેટલાક નિયમો બનાવ્યા હતા. હવે ખેલાડીઓ પોતાના અંગત કામ માટે શેફ, હેર સ્ટાઈલિસ્ટ, પર્સનલ સિક્યુરિટી ગાર્ડ, કુકને સાથે લઈ જઈ શકશે નહીં.
પત્ની અને પરિવાર માટે કડક નિયમ બનાવાયા
હવે પ્રવાસ દરમિયાન તેઓ ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. તાજેતરમાં BCCIએ બોલાવેલી રીવ્યૂ મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હતી. અગાઉ ખેલાડીઓની પત્નીઓ અને પરિવારોની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત BCCI એ એક નવો નિયમ બનાવ્યો કે જો પ્રવાસ 45 દિવસનો હોય તો ખેલાડીઓનો પરિવાર અથવા પત્ની તેમની સાથે ફક્ત 14 દિવસ જ રહી શકશે. જો મુલાકાત ટૂંકી હોય તો પરિવાર 7 દિવસથી વધુ સમય માટે ખેલાડી સાથે રહી શકશે નહીં.
ઘરેલુ ક્રિકેટ રમવા પર ભાર મૂકવામાં આવ્યો
અગાઉ BCCIએ તમામ ક્રિકેટરો માટે ઘરેલું ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવી દીધું હતું. BCCI હજુ પણ આ નિયમ પર અડગ છે. BCCIના અધિકારીઓ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર આ રીવ્યૂ મીટિંગમાં હાજર રહ્યા હતા. જેમાં ભારતીય ખેલાડીઓ પર ઘરેલુ ક્રિકેટ રમવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે તેની અસર પણ દેખાઈ રહી છે. રોહિત શર્માએ રણજી ટ્રોફીમાં મેચ રમવા માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.