ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે અણબનાવ? BCCIના ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન
Rajiv Shukla denies rift between Gambhir and Rohit : ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં કારમી હાર મળ્યા બાદ ભારતીય ટીમની અંદર ચાલી રહેલા અનેક વિવાદો સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે, ભારતીય ટીમનો કૅપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે રોહિત શર્મા આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમનું નેતૃત્વ કરશે કે નહીં તેના અંગે પણ શંકા હતી. પરંતુ હવે આ મામલે સ્પષ્ટતા આવી ગઈ છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ત્રણેય વચ્ચેના વિવાદના અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે આ વાતો માત્ર અફવાઓ છે અને ટીમમાં બધું બરાબર છે.
શું કહ્યું રાજીવ શુક્લાએ?
રાજીવ શુક્લાએ આ વિવાદને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા અને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓનું સમર્થન કરતાં કહ્યું હતું કે, 'રોહિત શર્મા, ગૌતમ ગંભીર અને અજિત અગરકર વચ્ચે કોઈ અણબનાવ નથી. રમતમાં ક્યારેક ખેલાડીઓ ફોર્મમાં નથી હોતા, તે સ્વાભાવિક છે.'
અગાઉ રોહિત અને ગંભીર વચ્ચે મતભેદના અહેવાલો સામે આવ્યા હતા
ઘણાં અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ટીમની પસંદગી કરવા અંગે રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ સહમતિ નહોતી. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ગંભીર પસંદગીકારો સાથે વાત પણ કરતો નહોતો. જો કે, 11 જાન્યુઆરીના રોજ યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ બધા મતભેદો ઉકેલાઈ ગયા હતા.
આ પણ વાંચોઃ જેવું પરફોર્મન્સ તેવા રૂપિયા: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મોટો ઝટકો આપવાની તૈયારીમાં BCCI
BCCIએ કરી હતી સમીક્ષા બેઠક
ભારતીય ટીમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે BCCIએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કૅપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર હાજર રહ્યા હતા. આ બેઠકનો ઉદ્દેશ્ય ફક્ત ટીમના તાજેતરના પ્રદર્શનની સમીક્ષા કરવાનો જ નહોતો, પરંતુ ભવિષ્યની વ્યૂહરચનાઓની ચર્ચા કરવાનો પણ હતો.