ભારતીય ક્રિકેટરોને મોટો ઝટકો, હવે મનમરજી નહીં ચાલે, ઓસ્ટ્રેલિયામાં હાર્યા બાદ આરામ હરામ
BCCI Ultimatum to Indian Cricketers: ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી(BGT)માં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ભારતે 10 વર્ષે BGT ટ્રોફી ગુમાવી દીધી છે. ભારતીય ટીમને હવે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે T20 અને ODI સીરિઝ રમવાની છે. પરંતુ આ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ BGT હાર અંગે મુંબઈમાં એક રિવ્યૂ મીટિંગ કરી હતી, જેમાં ખેલાડીઓના પ્રદર્શન પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
હવે ક્રિકેટરોની મનમરજી નહીં ચાલે
દ્વિપક્ષીય સીરિઝમાં ખેલાડીઓના સતત ન રમવાનો અને વચ્ચે-વચ્ચે આરામ લેવાનો મુદ્દો પણ આ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. ભારતીય ટીમ મેનેજમેન્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેથી હવે ભારતીય ક્રિકેટરોને મોટો ઝટકો લાગશે, કારણ કે હવે તેમની મનમરજી નહીં ચાલે.
ઓસ્ટ્રેલિયામાં હાર્યા બાદ આરામ હરામ
BCCIની બેઠકમાં કડક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી ભારતીય ખેલાડીઓએ બધી સીરિઝ માટે ઉપલબ્ધ રહેવું પડશે. આનો અર્થ એ થયો કે ખેલાડીઓનો આરામ હવે હરામ થઈ શકે છે. તેની મુખ્ય જવાબદારી ચીફ સિલેક્ટર અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર પર રહેશે. તેમણે ખેલાડીઓની હાજરી સુનિશ્ચિત કરવી પડશે.
છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ખેલાડીઓ વર્કલોડ મેનેજમેન્ટ અને ઈજા જેવા કારણોસર કેટલીક સીરિઝથી દૂર રહે છે. જોકે, તેઓ મોટી ટીમો સામેની મેચો માટે ઉપલબ્ધ રહે છે. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટીમ મેનેજમેન્ટ દ્વિપક્ષીય સીરિઝ અને ઘરેલું ક્રિકેટમાં રમવા પ્રત્યે ખેલાડીઓના મનમરજીના વલણથી ખુશ નથી.
મેડિકલ કારણોથી જ મળશે બ્રેક
હવે ખેલાડીઓ પોતાની મનમરજી નહીં ચલાવી શકશે. એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ખેલાડીઓએ દરેક સીરિઝ માટે ઉપલબ્ધ રહેવું પડશે. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન ચાલી રહી હોય ત્યારે ખેલાડીઓ પોત-પોતાની ડોમેસ્ટિક ટીમો માટે રમવું પડશે. પછી ભલે તે ફર્સ્ટ ક્લાસ મેચ હોય કે લિમિટેડ ઓવર્સ ક્રિકેટ હોય.
આ પણ વાંચો: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 14 મહિના બાદ શમીની વાપસી
જો કોઈ ખેલાડી ઈજાને કારણે આરામ ઇચ્છતો હોય તો તેણે યોગ્ય અને પૂરતા મેડિકલ કારણો આપવા પડશે. BCCI એ 2024ની શરુઆતમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે, બધા ખેલાડીઓ માટે ઘરેલું ક્રિકેટ રમવું ફરજિયાત રહેશે. આમાં બેદરકારી સાંખી લેવામાં નહીં આવે.
શમીની ભારતીય ટીમમાં વાપસી
તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે 5 T20 અને 3 ODI મેચની સીરિઝ રમવાની છે. હાલમાં BCCI એ T20 સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ સીરિઝમાં ટીમની કૅપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરશે.
જ્યારે અક્ષર પટેલને આ સીરિઝ માટે વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 2023ના ODI વર્લ્ડ કપ પછી શમી ક્રિકેટની બહાર હતો. ઇંગ્લૅન્ડે ભારત પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી.