કોહલીએ જેની વકીલાત કરી હતી એ નિયમ લાગુ કરશે BCCI, ટીમમાં રહેવું હોય તો આટલું કરવું પડશે
BCCI : હાલ BCCI ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનને લઈને ખૂબ જ કડક મૂડમાં છે. સિનિયર ખેલાડીઓ સહિત અન્ય ખેલાડીઓને પણ ઘરેલું ક્રિકેટ રમવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બીજી એક અપડેટ સામે આવી રહી છે. બોર્ડ વિરાટ કોહલીની કેપ્ટનશીપ સંબંધિત એક નિયમ પાછો લાવવાનું વિચારી રહ્યું છે.
ફક્ત ઈજાના નિવારણ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ
એક અહેવાલ અનુસાર, બોર્ડ ફરીથી યો-યો ફિટનેસ ટેસ્ટને લાવી શકે છે. રિપોર્ટ અનુસાર, BCCI દ્વાર મેડિકલ ટીમને ફિટનેસ માપદંડો પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. બોર્ડે દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પસંદગી માટે ફિટનેસ માપદંડોને ફરીથી લાગુ કરવા પર ભાર મૂકવો જોઈએ. ફક્ત ઈજાના નિવારણ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. અગાઉ ટીમ મેનેજમેન્ટે પસંદગી માટે મહત્ત્વપૂર્ણ એવો માપદંડ ગણાતો યો-યો ટેસ્ટ હટાવી દીધો હતો.
આ બાબતને ખૂબ જ હળવાશથી લઇ રહ્યા છે ખેલાડીઓ
હવે બોર્ડ આ અંગે યુ-ટર્ન લઈ શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બોર્ડ ખેલાડીઓ પ્રત્યે ઉદાર વલણ અપનાવી રહ્યું છે કારણ કે તેઓ મોટાભાગે મુસાફરી કરતા હોય છે. પરંતુ આને કારણે ધ્યાન ફક્ત ઈજાઓના ઈલાજ કે નિવારણ પર જ કેન્દ્રિત થઇ રહ્યું છે. કેટલાક ખેલાડીઓ આ બાબતને ખૂબ જ હળવાશથી લઇ રહ્યા છે. આ સ્થિતિમાં, એવું સૂચન કરવામાં આવી રહ્યું છે કે ચોક્કસ ફિટનેસ સ્તરના માપદંડ ફરીથી લાગુ કરવા જોઈએ જેથી ખેલાડીઓ બેદરકાર ન બને.
શું છે યો-યો ટેસ્ટ ?
ખેલાડીઓએ એક લાઇનથી બીજી લાઇન સુધી પહોંચવા માટે 20 મીટર દોડવાનું હોય છે અને પછી પાછા આવવાનું હોય છે. એટલે કે એક સમયે 40 મીટર દોડવાનું હોય છે. આ માટે એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવે છે. આ ટેસ્ટ પાંચમાં સ્તરથી શરૂ થાય છે અને 23માં સ્તર સુધી ચાલુ રહે છે. દરેક શટલ પછી 10 સેકન્ડનો વિરામ હોય છે, પરંતુ પછી સમય ઓછો થતો જાય છે. આ ટેસ્ટ જ્યાં સુધી ખેલાડી જરૂરી ગતિ પ્રાપ્ત કરી ન લે ત્યાં સુધી ચાલુ રહે છે.
આ પણ વાંચો : ગંભીરની ટકોર બાદ ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટર કરશે દિલ્હીની રણજી ટીમની કેપ્ટન્સી
ખેલાડીઓની પત્ની અને પરિવાર માટે નિયમો કડક બનાવાયા
આ સિવાય અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, હવે ખેલાડીઓની પત્ની અને પરિવારો ફક્ત એક નિશ્ચિત સમયગાળા માટે જ વિદેશના પ્રવાસ પર રહી શકશે. જો કોઈ પ્રવાસ દોઢ મહિનાનો હોય તો આ સમયગાળો બે અઠવાડિયાનો રહેશે. જ્યારે ટૂંકા પ્રવાસના કિસ્સામાં તે ઘટાડીને એક અઠવાડિયું કરવામાં આવશે.