ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે નિર્ણય ફરી અધ્ધરતાલ, BCCIએ ઠુકરાવી પાકિસ્તાનની માંગ
Champions Trophy 2025 : પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના મામલામાં હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) કહ્યું છે કે, જો ભારતીય ટીમ તેમના દેશમાં આવવા માંગતી નથી, તો પાકિસ્તાનની ટીમ પણ આગામી મેચો રમવા માટે ભારત નહીં જાય અને આ મેચો માટે પણ હાઇબ્રિડ મોડલ લાગુ કરવું જોઈએ. સ્પષ્ટ રીતે સમજીએ તો પાકિસ્તાન તરફથી ભારત-પાકિસ્તાન મેચ દુબઈમાં યોજવાની માંગ કરવામાં આવી હતી. હવે આ અંગે એક નવો ખુલાસો સામે આવ્યો છે કે, BCCIએ આગામી ભારત અને પાકિસ્તાન મેચો હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવાની માંગને ફગાવી દીધી છે.
શું છે પાર્ટનરશીપ ફોર્મ્યુલા?
હકીકતમાં PCBએ એવી માગણી કરી હતી કે, આગામી 3 વર્ષ સુધી કોઈપણ ICC ઈવેન્ટમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ તટસ્થ સ્થળે યોજવી જોઈએ. અને તેમા દુબઈને તટસ્થ સ્થળ તરીકે નામ આપવામાં આવ્યું હતું. અને આ ફોર્મ્યુલાને સૌપ્રથમ 'પાર્ટનરશીપ' કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેને લીલી ઝંડી આપવાની અટકળો હતી. પરંતુ હવે પાકિસ્તાની મીડિયા અનુસાર, BCCIએ આ માંગને ફગાવી દીધી છે.
BCCIએ શું નિર્ણય લીધો?
એક રિપોર્ટ અનુસાર અગાઉ BCCIએ આ 'પાર્ટનરશિપ' ફોર્મ્યુલામાં રસ દાખવ્યો હતો. જેના હેઠળ આગામી 3 વર્ષ સુધી ભારત અને પાકિસ્તાનની મેચ દુબઈમાં યોજાવાની હતી. BCCIએ રવિવારની રજાને ટાંકીને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તો બીજી તરફ યુએઈમાં સોમવાર અને મંગળવારે ઓફિસો બંધ રહે છે. આ દરમિયાન જય શાહે 1 ડિસેમ્બરે ICC અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના કેસનો નિર્ણય હજુ પણ અટવાયેલો છે.
આ પણ વાંચો : 'તમારા 400 રૂપિયા બહુ કામ આવતા', હાર્દિક પંડ્યાએ વીડિયો કોલ પર વાગોળી બાળપણની યાદો
PCBના સૂત્ર દ્વારા શું કહેવામાં આવ્યું?
એક પાકિસ્તાની મીડિયા વેબસાઈટને PCBના એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'અમે સંપૂર્ણ રીતે યોગ્ય સમાધાન પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે જો ભારત આ ફોર્મ્યુલાને સ્વીકારતું નથી, તો તેણે ભવિષ્યમાં અમારી ટીમને તેમના દેશમાં મોકલવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. જો ભવિષ્યમાં ભારતમાં કોઈપણ ICC ઈવેન્ટ યોજાશે તો તેણે દુબઈમાં અમારી સામે મેચ રમવી પડશે.'