BCCIને હેડ કોચ માટે 3400 નકલી અરજી મળી, નરેન્દ્ર મોદી-અમિત શાહ સહિતના નામ સામેલ
Team India Head Coach Update: ભારતની ક્રિકેટ ટીમના હેડ કોચ માટે ખાલી પદ માટે લગભગ 3400 નકલી અરજી મળી હોવાનું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જણાવ્યું છે. હેડ કોચ માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 27 મે હતો. આ તપાસમાં BCCIને ખબર પડી કે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ, વીરેન્દ્ર સેહવાગ, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, એમ. એસ. ધોની અને અનેક હસ્તીના નકલી નામથી અરજીઓ મળી હતી, જે તમામ અરજી નકલી છે.
બીસીસીઆઈએ પુરૂષ ક્રિકેટ ટીમના હેડ કોચ માટે અરજીઓ મંગાવી હતી. બીસીસીઆઈમાં કોઈ હોદ્દા માટે નકલી અરજી આવે તે નવી વાત નથી. અગાઉ પણ બોર્ડને ઘણી નકલી અરજીઓ મળી ચૂકી છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના હેડ કોચના પદ માટે ઓનલાઈન ધોરણે ગૂગલ ડોક્યુમેન્ટ ફોર્મ બહાર પાડ્યું હતું, જે અંતર્ગત અનેક લોકોએ નકલી અરજી કરી હતી. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, 'એપ્લિકેશન પ્રક્રિયા પબ્લિક ડોમેનમાં હોવાથી ઘણાં લોકોએ બીસીસીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ ફોર્મ સરળતાથી ભર્યું હતું. ભવિષ્યમાં આવી સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમે અરજીઓ મંગાવવા કેટલીક નવી પ્રક્રિયા લાવીશું.’
1 જુલાઈ 2024થી ડિસેમ્બર 2027 સુધી કોચ રહી શકશે
જે પણ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનશે, તેમનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષનો હશે, જે 1 જુલાઈ 2024થી 31 ડિસેમ્બર 2027 સુધીનો રહેશે. તે જ સમયે, જે પણ ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ હશે, તેની પાસે 14-16 સભ્યોનો સપોર્ટ સ્ટાફ પણ હશે.
ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે શું શરતો છે?
• ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચો અથવા 50 ODI મેચો રમી હોય અથવા ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળા માટે સંપૂર્ણ સભ્ય ટેસ્ટ રમતા દેશનો હેડ કોચ રહ્યો હોવો જોઈએ.
• અથવા ઓછામાં ઓછા 3 વર્ષના સમયગાળા માટે એસોસિયેટ સભ્ય/આઈપીએલ ટીમ અથવા સમકક્ષ ઈન્ટરનેશનલ લીગ/ફર્સ્ટ ક્લાસ ટીમ/નેશનલ એ ટીમના હેડ કોચ રહ્યા છે.
• અથવા BCCI લેવલ 3 સર્ટિફિકેશનની સમકક્ષ, અને ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.