ઑસ્ટ્રેલિયા ટૂર વચ્ચે ટીમ ઈન્ડિયાને છોડીને ભારત પરત આવશે આ ત્રણ ખેલાડી, BCCIનો નિર્ણય
Representative image |
IND Vs AUS,BCCI recalls three players : હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન BCCI(Board of Control for Cricket in India)એ ભારતીય ટીમના 3 ખેલાડીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ત્રણેય ખ=એલડીઓ ઝડપી બોલર છે. અને ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં રમાયેલી ત્રણ મેચમાં તેમને તક મળી નથી. સ્વદેશ પરત ફર્યા બાદ આ ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે જે વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. અને આ ટુર્નામેન્ટ 18 જાન્યુઆરી સુધી ચાલશે. આ ખેલાડીઓમાં મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. જેમને ભારતીય ટીમ સાથે રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા હતા.
ખેલાડીઓને કેમ બહાર કરાયા?
ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બે ટેસ્ટ મેચોમાં આ ત્રણેય બોલરોને તક મળવી મુશ્કેલ હતી. આ સ્થિતિમાં BCCIએ આ બોલરોને રીલિઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ ત્રણેય બોલરોને બોર્ડે એટલા માટે પહેલા રીલિઝ કર્યા છે કે, જેથી તેઓ ભારત પરત ફરે અને વિજય હજારે ટ્રોફી પહેલા પૂરતી પ્રેક્ટિસ કરી શકે. બંગાળની ટીમે મુકેશ કુમારને પોતાની ટીમમાં જગ્યા આપી છે. વિજય હજારે ટ્રોફી માટે બંગાળે મોહમ્મદ શમીને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હવે શમીની ઓસ્ટ્રેલિયા જવાની આશા ધૂંધળી થઈ રહી છે.
હજુ પણ ભારત પાસે 5 ઝડપી બોલર ઉપલબ્ધ
ભારતીય ટીમમાંથી મુકેશ કુમાર, નવદીપ સૈની અને યશ દયાલને બહાર કર્યા પછી પણ ટીમ પાસે હજુ પણ 5 ઝડપી બોલર ઉપલબ્ધ છે. જેમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણનો સમાવેશ થાય છે. મુકેશ અને સૈની શરૂઆતથી જ ભારતીય ટીમ સાથે હતા. આ બંને ભારત A સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયા હતા. જ્યાં તેમનો સામનો ઓસ્ટ્રેલિયા A ટીમ સાથે થયો હતો. મુકેશે ઓસ્ટ્રેલિયા A સામે બંને બિનસત્તાવાર ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : બીજા દિવસે ટ્રેવિસ ભારે પડ્યો, સ્મિથે પણ સદી ફટકારી, બુમરાહે ટીમ ઈન્ડિયાની લાજ રાખી
આ ખેલાડીઓ પણ ટીમમાંથી બહાર થઇ શકે
નવદીપ સૈનીને માત્ર એક પ્રેક્ટિસ મેચમાં રમવાની તક મળી હતી. ખલીલ અહેમદની જગ્યાએ યશ દયાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખલીલ અહેમદ ઓસ્ટ્રેલિયાથી રમ્યા વિના ઈજાગ્રસ્ત પરત ફર્યો હતો. યશ વિજય હજારે ટ્રોફી માટે ઉત્તર પ્રદેશની ટીમમાં સામેલ થશે, મુકેશ બંગાળ માટે બોલિંગ કરતો જોવા મળશે, જ્યારે સૈની વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે બોલિંગ કરતો જોવા મળશે. આ સિવાય ઓપનર અભિમન્યુ ઇશ્વરન અને દેવદત્ત પડિકકલને પણ ટીમમાંથી બહાર કરી શકાય છે.