BCCIનો મેગા પ્લાન: IPL જેવી વધુ એક ટૂર્નામેન્ટ શરૂ કરવાની યોજના; દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ ફરી મેદાનમાં જોવા મળશે
IPL For Retired Players: દેશ-દુનિયાના ક્રિકેટરસિકો માટે ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલેકે દિવાળીનો માહોલ. દર વર્ષે ઉનાળા વેકેશન આસપાસ યોજાતી આ વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટૂર્નામેન્ટની દુનિયાભરમાં બોલબાલા છે. ભારત સહિત અનેક દેશોના નવા ઉભરતા ક્રિકેટ ચહેરાઓને એક શાનદાર પ્લેટફોર્મ મળે છે અને દર વર્ષે આ ટૂર્નામેન્ટ નવા આયામો સર કરી રહી છે. તેવામાં IPLનું આયોજન કરતા ભારતીય ક્રિકેટ બોર્ડ, BCCIએ નવો પ્લાન ઘડ્યો છે. BCCIની નવી યોજનામાં દુનિયાભરના જૂના-મોટા દિગ્ગજ ખેલાડીઓ ફરી મેદાનમાં ઉતારવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.
વિશ્વ ક્રિકેટની સૌથી મોટી લીગ IPLમાં વિશ્વના દરેક ખેલાડી રમવા માંગે છે. આ લીગમાં ખ્યાતિ, પૈસા અને તમારા ભવિષ્યને બદલવાની શક્તિ છે. વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ એસોસિએશન એક મેગા પ્લાનિંગ સાથે આવી રહી છે. ઉંમર, શારીરિક મજબૂતી સહિતના અનેક કારણોસર ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનાર દરેક ખેલાડીને ફરી સાથે જોડાવાનો BCCIનો પ્લાન છે. બોર્ડ નવા પ્રોજેક્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી ચૂકેલા ખેલાડીઓ માટે એક નવી તક ઉભી કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI નિવૃત્ત ખેલાડીઓ માટે એક મેગા લીગ શરૂ કરવા જઈ રહી છે, જેમાં ઘણા જૂના અનુભવી દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેતા જોવા મળશે.
જય શાહ સુધી પહોંચી ડિમાન્ડ :
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ જય શાહ સમક્ષ રિટાર્યડ ખેલાડીઓ માટે લીગ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું ભારતીય ક્રિકેટ બોર્ડ પણ તેમાં નોંધપાત્ર રસ લઈને પ્લાનિંગ કરી રહ્યું છે. જય શાહને આ આઈડિયા ગમ્યો છે અને તેના પર વિચારણા શરૂ થઈ ગઈ છે.
ઘણી લીગમાં રમી રહ્યા છે ભૂતપૂર્વ ક્રિકેટરો :
હાલમાં દુનિયાભરમાં આવી ઘણી લીગ ચાલી રહી છે જેમાં ભૂતપૂર્વ ક્રિકેટરો રમતા જોવા મળે છે. ઈરફાન પઠાણ, સુરેશ રૈના, યુસુફ પઠાણ, ક્રિસ ગેલ, હરભજન સિંહ, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ, લિજેન્ડ્સ લીગ ક્રિકેટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં રમી રહ્યાં છે. હવે જો બીસીસીઆઈ આ પ્રકારની લીગમાં પ્રવેશ કરશે તો નિશ્ચિત છે કે તે હિટ થશે કારણકે ક્રિકેટ ફેન્સ અનેક દિગ્ગજ ખેલાડીઓને ખૂબ યાદ કરે છે અને તેમને ફરી ક્રિકેટ રમતા જોવા ઈચ્છે છે. જોકે ફ્રેન્ચાઈઝી ટીમો, ભારતમાં રમવા હાજર ફોરેન પ્લેયર્સથી લઈને સ્પોન્સર અને કવરેજ સુધી અનેક મોરચે બીસીસીઆઈએ વિચાર કરવાનો રહેશે.
આ પણ વાંચો: નીરજ ચોપરા સાથે દીકરીના લગ્નની અફવા અંગે મનુ ભાકરના પિતાનો ખુલાસો, જુઓ શું કહ્યું