મહેરબાની કરીને RCB વેચી નાંખો...: દિગ્ગજ ટેનિસ ખેલાડીએ BCCIને કેમ કરવી પડી આવી અપીલ?

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
મહેરબાની કરીને RCB વેચી નાંખો...: દિગ્ગજ ટેનિસ ખેલાડીએ BCCIને કેમ કરવી પડી આવી અપીલ? 1 - image


Mahesh Bhupathi on RCB: IPLમાં મજબૂત ગણાતી ટીમોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટોચનું સ્થાન ધરાવે છે. જો કે પોઈન્ટ્સ ટેબલ અને હાર-જીતના મામલામાં RCBની ટીમ અન્ય કરતા પાછળ જ રહી જાય છે. ફરી એક વખત 2024ની સિઝનમાં બેંગ્લોરની નાલેશીભરી હાર થઈ. આમ, સોમવારે SRH સામે વધુ એક હાર સાથે RCBને સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

આ કંગાળ પ્રદર્શનને કારણે બેંગ્લોર માટે પ્લે ઓફની રાહ મુશ્કેલ બની રહી છે. કોહલી, કાર્તિક ડુપ્લેસીસ, મેક્સવેલ જેવા દિગ્ગજની હાજરી છતાં આ સિઝનમાં આરસીબીનું નસીબ બદલાયું નથી. RCB ટીમના ખરાબ પ્રદર્શનને જોઈને માત્ર ચાહકો જ નહીં પરંતુ ઘણાં પૂર્વ દિગ્ગજો પણ નિરાશ થયા છે. દિગ્ગજ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિએ પણ RCBના પરફોર્મન્સ પર આક્રોશ ઠાલવ્યો છે. એટલું જ નહીં, તેમણે તો બેંગ્લોરની ટીમને વેચી નાખવાની પણ વાત કરી છે.

મહેશ ભૂપતિએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરી અને BCCIને ખાસ અપીલ પણ કરી છે. કાલની મેચની હાર બાદ ભૂપતિએ ઠાલવેલા આક્રોશની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી પોસ્ટમાં લખ્યું કે, ‘રમત, IPL, ફેન્સ અને ખેલાડીઓનું કલ્યાણ હવે BCCIના હિતમાં છે કે RCB માટે નવો માલિક શોધે, જે આ ફ્રેન્ચાઇઝીને અન્ય ટીમોની જેમ મોટી બનાવવા માટે કામ કરે.’

SRH સામે કંગાળ બોલિંગ 

હૈદરાબાદ સામેની આ મેચની વાત કરીએ તો ટ્રેવિસ હેડની આક્રમક સદી અને કેપ્ટન પેટ કમિન્સના શાનદાર પ્રદર્શનના આધારે સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રનથી હરાવ્યું હતું. હેડની પ્રથમ ટી20 સદી સિવાય હેનરિક ક્લાસને સુપરફાસ્ટ 67 રન બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદને ત્રણ વિકેટે 287 રન પર પહોંચાડી હતી જે T20 ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ રેકોર્ડ સ્કોર બન્યો છે. આ 287 સાથે સનરાઇઝર્સે આ જ સિઝનમાં જ 27 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ વિકેટે 277 રન બનાવીને સર્જેલો કીર્તિમાન તોડ્યો હતો.

સામે પક્ષે RCBએ પણ તાબડતોબ શરૂઆત કરી હતી પરંતુ 10મી ઓવર આસપાસ એકસાથે વિકેટો પડતા ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. છેવટે દિનેશ કાર્તિકની પણ વિસ્ફોટક ઈનિંગ છતા સાત વિકેટે 262 રન જ બનાવી શક્યું અને મેચ હાર્યું. કમિન્સે આ પિચ પર 43 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. IPLની આ મેચમાં 40 ઓવરમાં 549 રન બન્યા, જે પણ એક રેકોર્ડ છે.


Google NewsGoogle News