BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે બનાવ્યાં 10 કડક નિયમ, પાલન નહીં કરે તો થશે સજા
BCCI New Rules List: ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ અને ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ખેલાડીઓ સામે કડક વલણ અપનાવાનું શરૂ કરી દીધું છે. ભારતીય બોર્ડે આ હારને ગંભીરતાથી લીધી છે અને ખેલાડીઓ માટે કડક નિયમો બનાવ્યા છે.
બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખેલાડી કે સ્ટાફ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને કડક સજા થશે. બીસીસીઆઈએ ઘરેલુ ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવ્યું છે. ટીમમાં પસંદગી ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. આ માટે ભારતીય બોર્ડે કુલ 10 નિયમ બનાવ્યા છે.
1) ઘરેલુ ક્રિકેટ રમવું જરૂરી
બીસીસીઆઈના નિયમ અનુસાર, ભારતીય ખેલાડીઓએ ચોક્કસપણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. ભારતીય ટીમમાં ખેલાડીઓની પસંદગી પણ આના આધારે થશે. બીસીસીઆઈ ઇચ્છે છે કે આ ઝુંબેશ સિનિયર અને જુનિયર ખેલાડીઓ વચ્ચે સારા સંબંધો બનાવે જેથી ટીમ અને ક્રિકેટનું વાતાવરણ સારું બને. જો કોઈ ખેલાડી કોઈ કારણોસર ઘરેલુ ક્રિકેટ રમવા માંગતો નથી, તો તેણે બીસીસીઆઈને આ અંગે જાણ કરવી પડશે અને ચેરમેન ઓફ સિલેકશન કમિટી પાસેથી પરવાનગી લેવી પડશે. ઘરેલુ ક્રિકેટ રમવા ઉપરાંત ખેલાડીઓએ પોતાની ફિટનેસ પણ જાળવી રાખવી પડશે.
આ પણ વાંચો: WPL 2025નું સત્તાવાર શિડ્યૂલ જાહેર, 14 ફેબ્રુઆરીએ પહેલી મેચ, જાણો ક્યાં-ક્યાં રમાશે
2) પરિવાર સાથે મુસાફરી કરી શકશે નહીં
દરેક ખેલાડીએ ટીમ સાથે મુસાફરી કરવી પડશે. આનો અર્થ એ થયો કે ખેલાડીઓ તેમના પરિવાર સાથે મુસાફરી કરી શકશે નહીં. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કડક સજા કરવામાં આવશે. જો તેને તેના પરિવાર સાથે અથવા અલગથી મુસાફરી કરવી પડે, તો તેણે ચેરમેન ઓફ સિલેકશન કમિટી પાસેથી મંજૂરી લેવી પડશે.
3) ખેલાડી વધારે સામાન લઈ જઈ શકશે નહીં
મુસાફરી દરમિયાન કોઈપણ ખેલાડી વધારાનો સામાન લઈ જઈ શકશે નહીં. જો તમારા સામાનનું વજન વધુ હશે તો તમારે તેનો ખર્ચ જાતે ચૂકવવો પડશે. બીસીસીઆઈએ વજન અને સામાન માટે અલગ ગાઈડલાઈન પણ જાહેર કરી છે.
•સામાન માટેની પોલિસી
લાંબા પ્રવાસ (30 દિવસથી વધુ):
ખેલાડી- 3 સુટકેસ અને 2 કીટ બેગ તેનો વજન150 કિલો સુધી.
સપોર્ટ સ્ટાફ - 2 બેગ અને 1 નાની સુટકેસ તેનો 80 કિલો સુધી.
ટૂંકો પ્રવાસ (30દિવસથી ઓછી):
ખેલાડી - 2 સુટકેસ અને 2 કીટ બેગ, તેનો વજન 120 કિલો સુધી.
સપોર્ટ સ્ટાફ - 2 સુટકેસ અને વજન 60 કિલો સુધી.
ઘરેલુ સીરિઝ
ખેલાડી- 2 સુટકેસ અને 2 કીટ બેગ, તેનો વજન 120 કિલો સુધી.
સપોર્ટ સ્ટાફ - 2 સુટકેસ અને વજન 60 કિલો સુધી.
4) સેન્ટર ઓફ એક્સેલન્સ બેંગલુરુને અલગથી સામાન મોકલવો
દરેક ખેલાડીએ બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં સામાન અથવા વ્યક્તિગત વસ્તુઓ મોકલવા માટે ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો રહેશે. જો કોઈ વસ્તુ અલગ રીતે મોકલવામાં આવે છે, તો વધારાનો ખર્ચ ખેલાડીએ ભોગવવો પડશે.
5) કોઈપણ પ્રવાસ અથવા સીરિઝમાં સ્ટાફ પર પ્રતિબંધો
વ્યક્તિગત સ્ટાફ (જેમ કે પર્સનલ મેનેજર, રસોઇયા, આસિસ્ટન્ટ અને સિક્યોરિટી)ને કોઈપણ પ્રવાસ અથવા સીરિઝમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જ્યાં સુધી આ માટે BCCIની મંજૂરી લેવામાં ન આવે.
6) પ્રેક્ટિસ સેશન દરમિયાન હાજર રહેવું પડશે
બીસીસીઆઈએ એક કડક નિયમ પણ બનાવ્યો છે કે હવે દરેક ખેલાડીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન હાજર રહેવું પડશે. કોઈપણ ખેલાડી પ્રેક્ટિસ સેશન વહેલું છોડી શકશે નહીં. સીરિઝ અથવા ટુર્નામેન્ટ દરમિયાન તમારે ટીમ સાથે એક સ્થળથી બીજા સ્થળે મુસાફરી કરવી પડશે. ભારતીય બોર્ડે ખેલાડીઓ વચ્ચેના બંધન માટે આ નિયમ બનાવ્યો છે.
7) કોઈ પણ ખેલાડી જાહેરાત કરી શકશે નહીં
ખેલાડીઓને હવે સીરિઝ અને વિવિધ પ્રવાસ દરમિયાન પર્સનલ શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ દરમિયાન કોઈપણ ખેલાડી જાહેરાત કરી શકશે નહીં. ખેલાડીઓનું ધ્યાન બીજે ન ભટકે તે માટે બોર્ડે આ નિર્ણય લીધો છે.
8) વિદેશ પ્રવાસમાં તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવશો નહીં
જો કોઈ ખેલાડી 45 દિવસ માટે વિદેશ પ્રવાસ પર રહે છે, તો તેની પત્ની અને 18 વર્ષથી ઓછી ઉંમરનો બાળક શ્રેણીમાં બે અઠવાડિયા માટે તેની સાથે રહી શકે છે. આ દરમિયાન બીસીસીઆઈ તેમના રોકાણનો ખર્ચ ઉઠાવશે પરંતુ બાકીનો ખર્ચ ખેલાડીએ ભોગવવાનો રહેશે.
આ પણ વાંચો: આઠમા પગાર પંચની રચનાની જાહેરાત : કેન્દ્રના 1.15 કરોડ કર્મચારી અને પેન્શનરોને લાભ
બીજી તરફ કોચ અને કેપ્ટન સાથે ચર્ચા કર્યા પછી જ, કોઈપણ (સંબંધી અથવા અન્ય કોઈ) ખેલાડી પાસે અંતિમ તારીખે આવી શકે છે. આ દરમિયાન જો કોઈ ખેલાડી નિયમો તોડે છે તો તેના માટે કોચ, કેપ્ટન અને જીએમ ઓપરેશન્સ જવાબદાર રહેશે. આ ઉપરાંત સમય મર્યાદા પૂર્ણ થયા પછી ખેલાડીએ ખર્ચ ઉઠાવવો પડશે.
9) ઓફિશિયલ શૂટિંગ અને કાર્યોમાં ભાગ લેવો પડશે
બીસીસીઆઈનો કોઈ ઓફિશિયલ શૂટિંગ, પ્રમોશન કે અન્ય કોઈ કાર્યક્રમ હોય ત્યારે દરેક ખેલાડીએ તેમાં ભાગ લેવો પડશે. આ નિર્ણય રમતને પ્રોત્સાહન આપવા અને હિસ્સેદારોના લાભ માટે લેવામાં આવ્યો છે.
10) સીરિઝ સમાપ્ત થયા પછી ખેલાડીઓ વહેલા ઘરે પાછા ફરી શકશે નહીં
દરેક ખેલાડીએ પ્રવાસના અંત સુધી ટીમ સાથે રહેવું પડશે. સીરિઝ વહેલી સમાપ્ત થાય તો પણ ખેલાડીએ ટીમ સાથે રહેવું પડશે. દરેક ખેલાડી નિર્ધારિત તારીખે ટીમ સાથે પરત ફરશે. આ દરમિયાન કોઈપણ ખેલાડી વહેલા ઘરે જઈ શકશે નહીં. ટીમ બોન્ડિંગના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.