Get The App

Paris Olympics 2024: ઓલિમ્પિક પહેલા BCCIની મોટી જાહેરાત, ખેલાડીઓને અપાશે કરોડોની મદદ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
Paris Olympics 2024: ઓલિમ્પિક પહેલા BCCIની મોટી જાહેરાત, ખેલાડીઓને અપાશે કરોડોની મદદ 1 - image
Image Twitter 

BCCI gives 8.5 Crore to IOA, Paris Olympics 2024: ઓલિમ્પિક્સ 2024 આ અઠવાડિયામાં પેરિસમાં શરૂ થવાનો છે. તેના માટે ભારતીય ખેલાડીઓની ટીમ રેકોર્ડ તોડવા અને મેડલ જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) પણ કહ્યું કે, તેઓ પણ તેના એથ્લેટ્સ પાસેથી મેડલની અપેક્ષા રાખે છે.

આ જ કારણ છે કે, ઓલિમ્પિક અભિયાનને ધ્યાનમાં રાખીને BCCIએ ભારતીય ઓલિમ્પિક એશોસિએશન (IOA)ને 8.5 કરોડ રૂપિયા આપ્યા છે. આ વાતની જાહેરાત ખૂદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને કરી છે. 

BCCI સેક્રેટરી જય શાહે પોતાની પોસ્ટમાં શું કહ્યું?

જય શાહે પોસ્ટમાં લખ્યું કે, "મને આ જાહેરાત કરતાં ગર્વ છે કે BCCI પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સને સપોર્ટ કરશે. અમે આ ઓલિમ્પિક્સ માટે IOAને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ.

આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ BCCIએ ભારતીય ક્રિકેટ ટીમ અને સપોર્ટિંગ સ્ટાફને 125 કરોડ રૂપિયા ઈનામ આપ્યુ હતું. 15 ખેલાડીઓ અને પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 5-5 કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે દ્રવિડે માત્ર 2.5 કરોડ રૂપિયા લેવાની વાત કરી હતી. 

પેરિસ ઓલિમ્પિકમાં 117 ભારતીય એથ્લેટ ભાગ લેશે

માહિતી પ્રમાણે આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેવા જવાના છે. આ સિવાય રમતગમત મંત્રાલયે સપોર્ટ સ્ટાફના 140 સભ્યોને પણ મંજૂરી આપી છે, જેમાં સ્પોર્ટ્સ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સહાયક સ્ટાફના 72 સભ્યોને સરકારી ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી રહેશે. 

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના 119 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 7 મેડલ જીત્યા હતા. જેમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલા ઐતિહાસિક ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિક માટે જે ખેલાડીઓને ક્વોલિફાય કરવામાં આવ્યા છે, તેમાથી માત્ર ગોળાફેકની એથ્લેટ આભા ખટુઆનું નામ યાદીમાં નથી.

ઓલિમ્પિકમાં એથ્લેટિક્સના 29 ખેલાડીઓ ભાગ લેશે

ખેલાડીઓની યાદીમાં સૌથી વધુ 29 (11 મહિલા અને 18 પુરૂષ) ખેલાડીઓ એથ્લેટિક્સના છે. તે પછી શૂટિંગ (21) અને હોકી (19) ખેલાડીઓ છે.  ટેબલ ટેનિસમાં ભારતના 8 ખેલાડીઓ ભાગ લેશે, જ્યારે બેડમિન્ટનમાં બે વાર ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સહિત 7 ખેલાડીઓ ભાગ લેશે.

આ ઉપરાંત કુસ્તી (6), તીરંદાજી (6) અને બોક્સિંગ (6) દરેક 6 ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લેશે. આ પછી ગોલ્ફ (4), ટેનિસ (3), સ્વિમિંગ (2), સેઇલિંગ (2) આવે છે. ઘોડેસવારી, જુડો, રોઇંગ અને વેઇટ લિફ્ટિંગમાં એક-એક ખેલાડી ભાગ લેશે.


Google NewsGoogle News