BCCIએ 86 પિચ, ત્રણ મેદાન અને હાઈટેક સુવિધાથી સજ્જ વધુ એક મોટા સ્ટેડિયમનું કર્યું ઉદઘાટન, નામ પણ બદલાયું
BCCI Center of Excellence : ખેલાડીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં BCCIએ વધુ એક પહેલ કરી છે. આજે બેંગલુરુમાં નવનિર્મિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ ક્લાસ એકેડમીને હવેથી BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) તરીકે ઓળખવામાં આવશે.
આ પહેલા આ એકેડમીની સ્થાપના વર્ષ 2000માં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સંકુલમાં કરવામાં આવી હતી. હવે BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ બેંગલુરુમાં કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક 40 એકરમાં ફેલાયેલું છે, જેમાં કુલ 3 વર્લ્ડ ક્લાસ મેદાન અને 86 પિચ આવેલી છે. જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને વિસ્તારોનો સમાવેશ થાય છે. નવી ટેક્નોલોજીથી બનેલું આ મેદાન ખેલાડીઓને સારી તાલીમ આપવામાં મદદ કરશે.
ગ્રાઉન્ડ A એ મુખ્ય મેદાન છે, જેમાં 85 યાર્ડની બાઉન્ડ્રી છે, જેમાં રમવા માટે 13 લાલ માટીની પીચો આવેલી છે. તેની સાથે અન્ય મેદાનને પણ વિવિધ પ્રકારની માટીથી તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રેક્ટિસ કરવા માટે 45 આકર્ષક આઉટડોર નેટ પિચો પણ છે. ફિલ્ડિંગ પ્રેક્ટિસ એરિયા અને 6 આઉટડોર રનિંગ ટ્રેક પણ છે.
આ પણ વાંચો : BCCI એ ધોનીનું કરોડો રૂપિયાનું કર્યું નુકસાન, IPLના નિયમ બદલવાથી પડશે ફટકો!
ઇન્ડોર પ્રેક્ટિસ સુવિધા માટે યુકે અને ઑસ્ટ્રેલિયાના પ્રીમિયમ ટર્ફ સાથેની 8 પિચ તેમજ 80 મીટરનો કોમન રન-અપ એરિયા આવેલો છે. તેમાં મોટી મજબૂત કાચની પેનલ આવેલી છે. આવી અનેક અત્યાધુનિક સુવિધાઓ પર અહીં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.