IPL 2024: આઉટ થયા બાદ RRના આ ખેલાડીએ પિત્તો ગુમાવ્યો, કરી એવી હરકત કે BCCIએ ફટકાર્યો દંડ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
IPL 2024: આઉટ થયા બાદ RRના આ ખેલાડીએ પિત્તો ગુમાવ્યો, કરી એવી હરકત કે BCCIએ ફટકાર્યો દંડ 1 - image


Image Source: Twitter

IPL 2024, RRvsSRH: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મળેલી હાર બાદ IPL 2024માં રાજસ્થાન રોયલ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. હૈદરાબાદે શુક્રવારે ક્વોલિફાયર-2માં રાજસ્થાનને 36 રને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. આ મેચ બાદ BCCIએ રાજસ્થાનના વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયરને દંડ ફટકાર્યો હતો. IPLની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

6 વર્ષ બાદ હૈદરાબાદ ફાઈનલમાં પહોંચી

ચેન્નાઈમા એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટ પર 139 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદની ટીમે 2018 બાદ ક્યારેય ટાઈટલ મેચમાં પ્રવેશ નહોતો કર્યો અને હવે 6 વર્ષ બાદ તે ફાઈનલ રમવા ઉતરશે. 

શિમરોન હેટમાયર પર BCCIની કાર્યવાહી

મેચ બાદ BCCIએ શિમરોન હેટમાયર પર તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે. જો કે બોર્ડ દ્વારા હજુ સુધી તેની ભૂલની સ્પષ્ટતા નથી કરી. બીજી તરફ BCCI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનના બેટ્સમેને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

BCCIએ કહ્યું કે, રાજસ્થાન રોયલ્સના શિમરોન હેટમાયર પર 24 મે ના રોજ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના ક્વોલિફાયર 2 દરમિયાન IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના 10%નો દંડ ફટકારવામાં આવ્યો છે.

હૈદરાબાદ સામે હેટમાયર ફ્લોપ રહ્યો

હૈદરાબાદ સામે રમાયેલી મહત્વની મેચમાં 27 વર્ષીય બેટ્સમેન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. હેટમાયરે 10 બોલમાં માત્ર ચાર રન બનાવ્યા હતા. તેના ખરાબ પ્રદર્શનના કારણે રાજસ્થાનને મહત્વની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. BCCIએ વધુમાં જણાવ્યું કે, હેટમાયરે IPLની આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો છે. તેણે ગુનો કબૂલ કર્યો છે અને મેચ રેફરીની મંજૂરી સ્વીકારી હતી. આચાર સંહિતાના લેવલ 1ના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.


Google NewsGoogle News