આ ક્રિકેટરોની કારકિર્દી ખતમ? સારા દેખાવ છતાં BCCI દ્વારા સતત કરાઇ રહી છે અવગણના
BCCI એ ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસ માટે T-20 અને વન-ડે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં ઘણા મોટા ફેરફારો થયા છે. રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાંથી નિવૃત થયા બાદ ટીમની આ પ્રથમ ટી-20 શ્રેણી હશે. સૂર્યકુમાર યાદવને t20 ટીમની કેપ્ટન્સી મળી છે. તો હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો છે. આ તમામની વચ્ચે કેટલાક ક્રિકેટર્સ એવા છે જેમની સતત અવગણના કરવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે.
આ સિવાય અગાઉ ઝિમ્બાબ્વે પ્રવાસમાં કેપ્ટન્સી કરનાર શુભમન ગિલને T-20 અને વન-ડે બંનેમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો એ પ્રવાસમાં સારું પ્રદર્શન કરનાર અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડ આ નવી ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.
ઇશાન કિશનની ફરી અવગણના
આ તમામની વચ્ચે બીજો એક ક્રિકેટર એવો છે જેને BCCI દ્વારા સાવ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે. આ ક્રિકેટર છે મુંબઈનો ઇશાન કિશન. ઇશાન કિશનની સતત ટીમ મેનેજમેન્ટ દ્વારા અવગણના કરવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. અગાઉ તેનો અને શ્રેયસ ઐય્યરનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ક્રિકેટરે સ્વીકાર્યું હતું કે છેલ્લો કેટલોક સમય તેના માટે ખરાબ અને નિરાશાજનક રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, 'એ સમય નિરાશાજનક હતો. બધુ બરાબર હતું. પણ ત્યાર પછી જે થયું એને લઈને મારા મનમાં સતત ચાલતું રહે છે કે યાર કેમ થયું, શું થયું, મારી સાથે જ કેમ આવું થયું? આ બધુ ત્યારે થયું જ્યારે હું સારો દેખાવ કરી રહ્યો હતો.
આ ઇન્ટરવ્યૂમાં બ્રેક લેવાનું શું કારણ હતું એ પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યું હતું કે, 'હું રન સ્કોર કરી રહ્યો હતો અને ત્યારે જ મને બેન્ચ કરવામાં આવ્યો. ટીમ સ્પોર્ટમાં આવું થતું રહે છે. પણ મને પ્રવાસનો થાક હતો. કૈંક ખોટું થઈ રહ્યું હતું અને હું સારું નહોતો અનુભવી રહ્યો. આખરે મેં બ્રેક લેવાનો નિર્ણય લીધો. પણ મારા પરિવાર અને અંગત મિત્રો સિવાય કોઈ સમજ્યું નહીં.
તેણે કહ્યું હતું કે, 'હું નિરાશ થવા નથી માગતો. હું સતત મારુ શ્રેષ્ઠ આપતો રહેવા માગું છું.'
સંજુ સેમસન
સંજુને ટી-20 સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર રાખવાનો ટીમ મેનેજમેન્ટનો કોઈ ઇરાદો લાગતો નથી કારણ કે વન-ડે ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વન-ડેમાં છેલ્લે ભારત જ્યારે રમ્યું ત્યારે ડિસેમ્બર 2023માં સંજુએ સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે સામે તક મળતા ટી-20માં તેણે ફિફ્ટી મારી હતી. હવે રિષભ પંતને પ્રમોટ કરવામાં આવતા વિકેટકીપર બેટર તરીકે સંજુના ટીમમાં સ્થાન મેળવવાના ચાન્સ ઓછા થઈ રહ્યા છે.
શ્રેયસ ઐયરને માફી?
વન-ડે ટીમમાં શ્રેયસ ઐય્યરને સ્થાન મળ્યું છે. જેનો અર્થ એ થાય છે કે તેને BCCI દ્વારા માફ કરવામાં આવ્યો છે. તેણે વર્લ્ડકપ બાદ ટીમમાં ફરી વાપસી કરી છે.
અભિષેક શર્મા
IPLમાં તાબડતોબ બેટિંગ કરનાર ડાબોડી ઓપનર અભિષેક શર્માને ઝિમ્બાબ્વે સામે તક મળી અને તેમાં પણ તેણે પોતાની બીજી જ મેચમાં શાનદાર સદી ફટકારી દીધી હતી. પરંતુ ત્યાર પછીની શ્રેણીમાં તેનો ટીમમાં સમાવેશ કરાયો નથી. માટે તેણે ટીમમાં વાપસી કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું રમીને હજુ પોતાને સાબિત કરવો પડશે.
યુઝવેન્દ્ર ચહલ અને જાડેજા
ચહલને અગાઉ વર્લ્ડકપ જેવી મેજર ટુર્નામેન્ટ્સમાં ભારત ડ્રોપ કરી ચૂક્યું છે. T20 વર્લ્ડકપની ટીમમાં તેનો સમાવેશ કરાયો હતો પરંતુ તેને ટીમમાં વધારે રમવાની તક મળી નહોતી. માટે ચહલને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક આપવામાં આવે તેવી શક્યતા ઓછી લાગી રહી છે.
રવીન્દ્ર જાડેજાએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે પરંતુ વન-ડે ટીમમાં તેનો સમાવેશ નહીં કરાતા ભારત હવે ઓલરાઉન્ડર તરીકે નવા વિકલ્પની શોધમાં છે અને ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ કોઈ બીજા ખેલાડીને તૈયાર કરવા માંગે છે એવું લાગી રહ્યું છે. તેનાં સ્થાને ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર પટેલને બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.