BCCIને લાગ્યો જેકપોટ, જુઓ IPL 2023થી કેટલી થઈ કમાણી, આંકડા પર વિશ્વાસ નહીં થાય!

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
BCCIને લાગ્યો જેકપોટ, જુઓ IPL 2023થી કેટલી થઈ કમાણી, આંકડા પર વિશ્વાસ નહીં થાય! 1 - image


Image Source: Twitter

BCCI Hits Jackpot With IPL 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, BCCIને IPL 2023થી અઢળક કમાણી થઈ છે. IPLના ઇતિહાસમાં પ્રથમ વખત BCCIને IPLની એક સીઝનથી 5000 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. IPL 2022માં સરપ્લસ જે લગભગ રૂ. 2300 કરોડ હતો, તે આગામી સીઝનમાં જ બમણાથી પણ વધુ થઈ ગયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, IPL આજે વિશ્વની બીજી સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ છે.

BCCIને IPL 2023થી 5120 રૂપિયાનો ફાયદો થયો

એક અહેવાલ પ્રમાણે BCCIને IPL 2023થી 5120 રૂપિયાનો ફાયદો થયો છે. IPL 2022થી બોર્ડને 2367 કરોડ રૂપિયાની બચત થઈ હતી. આ રીતે ગત વર્ષની સરખામણીમાં બચતની રકમમાં 116%નો વધારો થયો છે. જો આપણે વાર્ષિક ધોરણે કમાણીની વાત કરીએ તો તેમાં 78%નો વધારો થયો છે. 2023માં કમાણી વધીને 11769 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વધારો મુખ્યત્વે નવા મીડિયા રાઇટ્સ અને સ્પોન્સર ડીલ્સને કારણે થયો છે જે IPL 2023 સિઝન સાથે અમલમાં આવ્યો હતો.

મીડિયા રાઇટ્સની આવકનું મોટું યોગદાન

અહેવાલ પ્રમાણે આ નાણાકીય સફળતામાં મીડિયા રાઈટ્સની આવકનું મોટું યોગદાન રહ્યું, જે ગત વર્ષે 3,780 કરોડ રૂપિયાથી 131% વધીને રૂ. 8,744 કરોડ થઈ હતી. BCCI એ 2023-2027ના IPL ચક્ર માટે 48,390 કરોડ રૂપિયાની આકર્ષક મીડિયા રાઇટ્સ ડીલ હાંસલ કરી જેમાં ડિઝની સ્ટારે 23,575 કરોડ રૂપિયાના ટીવી રાઇટ્સ અને વાયકોમ 18ના Jio સિનેમાએ 23,758 કરોડ રૂપિયાના ડિજિટલ રાઇટ્સ મેળવ્યા હતા. 

આ ઉપરાંત IPL ટાઇટલ રાઇટ્સ ટાટા સન્સને પાંચ વર્ષના સમયગાળા માટે 2,500 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. બીજી તરફ ઍસોસિયેટ સ્પોન્સરશિપ તરીકે MyCircle11, RuPay, AngelOne અને Ceat જેવી બ્રાન્ડ જોડાઈ જેનાથી બોર્ડે વધુ 1,485 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું કે, 2023માં શરુ થયેલી મહિલા પ્રીમિયર લીગ(WPL)એ પણ BCCIની નાણાકીય સફળતામાં યોગદાન આપ્યું હતું જેનાથી 377 કરોડ રૂપિયાનો સરપ્લસ પ્રાપ્ત થયો હતો. WPLની આવક, જે 636 કરોડ રૂપિયા હતી, તે મીડિયા રાઇટ્સ, ફ્રેન્ચાઈઝ ફી અને સ્પોન્સરથી આવી હતી, જ્યારે ખર્ચ  259 કરોડ રૂપિયા રહ્યો હતો.

IPL 2023 માટે BCCIનો ખર્ચ 66% વધીને 6,648 કરોડ રૂપિયા

ખર્ચના મામલે IPL 2023 માટે BCCIનો ખર્ચ 66% વધીને 6,648 કરોડ રૂપિયા થઈ ગયો છે. બોર્ડે સેન્ટ્રલ રેવન્યુ પૂલમાંથી IPL ફ્રેન્ચાઇઝીઓને  4,670 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી જે જે અગાઉની સિઝનમાં વહેંચવામાં આવેલી રકમ કરતાં બમણી હતી. એકંદરે નાણાકીય વર્ષ માટે BCCIની સરપ્લસ 38% વધીને  3,727 કરોડ રૂપિયા થયો, કુલ આવક 50% વધીને 6,558 કરોડ રૂપિયા થઈ, જ્યારે ખર્ચ 70% વધીને 2,831 કરોડ રૂપિયા થયો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ

BCCIની નાણાકીય સ્થિતિ મજબૂત બની ગઈ છે. નાણાકીય વર્ષના અંતે વિવિધ બચત અને ચાલુ ખાતાઓ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં તેનું બૅંક બેલેન્સ 16,493.2 કરોડ રૂપિયા હતું, જે ગત વર્ષે 10,991.29 કરોડ રૂપિયાથી વધુ હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને આ આંકડાઓ પોતે જ આ હકીકતના સાક્ષી છે, કારણ કે વિશ્વની ઘણી લીગ ભારતની મહિલા પ્રીમિયર લીગ સામે પણ ફીકી છે. 


Google NewsGoogle News