BCCI એ ધોનીનું કરોડો રૂપિયાનું કર્યું નુકસાન, IPLના નિયમ બદલવાથી પડશે ફટકો!
MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ કરોડોનું નુકસાન કરી દીધું છે. BCCIએ આ નુકશાન એક નિયમ બનાવીને કર્યું હતું. શનિવારે યોજાયેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં BCCIએ કેટલાક નિર્ણયો લીધા હતા, જેમાંથી એક નિર્ણયે ધોનીનું કરોડોનું નુકશાન કરી દીધું હતું. જો કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ધોની IPL 2025માં રમશે અને ચેન્નાઈ સુપર કિંગ્સને ખિતાબ જીતાડવાનો પ્રયાસ કરશે.
ચાહકો ઈચ્છે છે કે ધોની ફરીથી આઈપીએલમાં રમે. દર વર્ષે ધોનીના નિવૃત્તિને લઈને સમાચાર આવે છે. અને કહેવાય છે કે આ તેની છેલ્લી આઈપીએલ હશે, પરંતુ આવતા વર્ષે ધોની ફરી પાછો આવે છે. BCCI દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી નક્કી થઈ ગયું છે કે, ધોની આ સિઝનમાં આઈપીએલમાં રમશે પરંતુ, આ માટે તેને કરોડોનું નુકસાન ઉઠાવવું પડશે.
IPL કાઉન્સિલની યોજાયેલી બેઠકમાં BCCIએ અનકેપ્ડ ખેલાડીઓ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. બોર્ડ હવે એવા ખેલાડીઓને અનકેપ્ડ લિસ્ટમાં સામેલ કરશે કે જેમણે 5 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલવિદા કહી દીધું છે. આ સિવાય જે ખેલાડીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ નથી, તેને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરશે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ત્યારથી તે આઈપીએલમાં રમી રહ્યો છે. આ સ્થિતિમાં હવે તે અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ શકે છે.
આ પણ વાંચો : હું હજુ ત્રણેય ફોર્મેટમાં રમી શકું છું: રોહિત શર્માએ T20થી નિવૃત્તિ પર કહી આ વાત
જો ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન રાખવામાં આવે છે, તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેને 4 કરોડ રૂપિયા આપીને રાખી શકે છે. આ સ્થિતિમાં ધોનીને 8 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. કારણ કે અગાઉ ચેન્નાઈએ ધોનીને 12 કરોડ રૂપિયા આપીને રિટેન રાખ્યો હતો. જો ધોનીને અનકેપ્ડ પ્લેયર તરીકે રિટેન ન રખાયો હોત અને ફ્રેન્ચાઈઝીએ તેને કેપ્ડ પ્લેયર તરીકે રિટેન રાખ્યો હોત તો ધોનીને 12 કરોડ રૂપિયા મળ્યા હોત, પરંતુ હવે તેને અનકેપ્ડ પ્લેયર તરીકે રિટેન રાખવામાં આવશે. જેથી કરીને તેને મહત્તમ 4 કરોડ રૂપિયા મળશે.