ખરાબ દેખાવની વચ્ચે ખેલાડીઓ પર કડક થયું BCCI, હવે નહીં મળે આ સ્વતંત્રતા
BCCI become stricter on players : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનને લઈને BCCIએ એક મહત્તવપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બોર્ડે ટીમ માટે રમતા દરેક ખેલાડી માટે એક મોટો નિર્ણય લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી બોર્ડે અમુક ખેલાડીઓને દ્વિપક્ષીય સીરિઝ અને સ્થાનિક ટુર્નામેન્ટથી દૂર રહેવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે આવું નહી થાય. બોર્ડે કડક શબ્દોમાં કહ્યું હતું કે, હવે સ્ટાર ખેલાડીઓ પાસે એ નક્કી કરવાનો વિકલ્પ રહેશે નહીં કે તેઓ કઈ દ્વિપક્ષીય સીરિઝ રમવા માંગે છે અને કઈ નહીં.
બોર્ડે લીધો મહત્ત્વનો નિર્ણય
એક અહેવાલ અનુસાર, જ્યાં સુધી કોઈ ખેલાડી યોગ્ય મેડિકલ કારણ ન આપે ત્યાં સુધી કોઈ પણ ખેલાડી નક્કી કરી શકશે નહીં કે તે કઈ ટુર્નામેન્ટમાં રમશે અને કેમાં નહીં. આ હવે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ બંનેમાં લાગુ પડશે. આ સિવાય બેઠકમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમના પ્રદર્શનની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આખી ટીમ દ્વારા કઈ ભૂલો કરવામાં આવી હતી અને ક્યાં સુધારા કરવાની જરૂર છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
અમારા માટે ઘરેલુ ક્રિકેટ ખૂબ જ મહત્તવપૂર્ણ- BCCI
અહીં તમને જણાવી દઈએ કે ગયા વર્ષે BCCI એ ખેલાડીઓને કહ્યું હતું કે, અમારા માટે ઘરેલુ ક્રિકેટ ખૂબ જ મહત્તવપૂર્ણ છે. બોર્ડે શ્રેયસ ઐયર અને ઇશાન કિશનને પણ આ આદેશની વિરુદ્ધ જવા બદલ ઠપકો પણ આપ્યો હતો અને બાદમાં તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા હતા. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ તાજેતરમાં સ્થાનિક ક્રિકેટ કેટલું મહત્ત્વપૂર્ણ છે તેના પર ભાર મૂક્યો હતો. અને તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ટીમના બધા ખેલાડીઓએ શક્ય હોય ત્યારે તેમના રાજ્યો માટે રમવું જોઈએ.
આ પણ વાંચો : IPL 2025 ક્યારથી શરૂ થશે? BCCIના ઉપાધ્યક્ષે કરી તારીખની જાહેરાત
રોહિત અને વિરાટ ઘરેલું ક્રિકેટથી દુર
બોર્ડે બેઠકમાં કોઈ ખેલાડીનું નામ લીધું ન હતું. પરંતુ સ્પષ્ટપણે ઈશારો વિરાટ કોહલી અને રોહિત શર્માની સામે હતો. કોહલી ગયા વર્ષે તેના બીજા બાળકના જન્મને કારણે ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં રમ્યો ન હતો. જ્યારે કેપ્ટન રોહિત શર્મા પણ આ જ કારણોસર પર્થ ટેસ્ટમાં રમ્યો ન હતો. આ બંને ખેલાડીઓ થોડા મહિના પહેલા યોજાયેલી દુલીપ ટ્રોફીમાં પણ ભાગ લઈ શક્યા ન હતા. જ્યારે રિષભ પંત, કેએલ રાહુલ અને શુભમન ગિલ જેવા ખેલાડીઓએ રેડ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.