ઓસ્ટ્રેલિયા ટૂરમાં 27 બેગ લઈ ગયો હતો ભારતીય સ્ટાર, લાખોનો ખર્ચ થતાં BCCIએ બદલ્યો લગેજનો નિયમ
Image: Facebook
Team India: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના નબળા પ્રદર્શનને જોતાં મોટું એક્શન લીધું હતું અને 10 આકરા નિયમ બનાવ્યા હતાં. તેની અસર તાજેતરમાં જ જોવા મળી હતી. હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જશે. આ પ્રવાસ પર પણ ખૂબ બદલાયેલું નજર આવશે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે ખેલાડી પોતાના પરિવારને સાથે લઈને જશે નહીં. બીસીસીઆઈએ હવાઈ મુસાફરી માટે પણ લગેજથી જોડાયેલો એક નિયમ બનાવ્યો છે. આખરે બોર્ડે લગેજ માટે નવો નિયમ શા માટે બનાવ્યો છે. આની પર એક મોટો ખુલાસો થયો છે.
એક ખેલાડીના કારણે બદલાયો લગેજનો નિયમ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ BCCIએ સમીક્ષા બેઠક કરીને ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે નવા દિશાનિર્દેશ બનાવ્યા હતા. નવા નિયમો અનુસાર ટીમ ઈન્ડિયાના કોઈ પણ ખેલાડીને હવે હવાઈ યાત્રા દરમિયાન 150 કિલોથી વધુ સામાન લઈને જવાની પરવાનગી નથી. હવે 150 કિલોથી વધુ સામાન હોવા પર ખેલાડીએ એરલાઈન્સને વધુ રૂપિયા પોતે ભરવા પડશે. અત્યાર સુધી ખેલાડીનો સામાન વધુ હોવા પર એરલાઈન્સને બીસીસીઆઈ જ વધુ રૂપિયા ભરતી હતી પરંતુ હવે આવું થશે નહીં.
રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ઓસ્ટ્રેલિયા પ્રવાસે પોતાની સાથે 27 બેગ અને ટ્રોલી બેગ લઈને આવ્યો હતો. તેમાં ક્રિકેટર સિવાય તેમના ખાનગી સ્ટાફ અને પરિવારના બેગ પણ સામેલ હતાં. દરમિયાન આ ખેલાડીના લગેજનું કુલ વજન 250 કિલોની આસપાસ હતું. ઓસ્ટ્રેલિયામાં પણ આ ખેલાડી દરેક સ્થળે આ લગેજને પોતાની સાથે લઈને ગયો હતો. દરમિયાન આ ખેલાડીના લગેજનો તમામ ખર્ચ બીસીસીઆઈએ જ ઉઠાવવો પડ્યો હતો. જે લાખોમાં હતો. આ ખેલાડીના કારણે જ બીસીસીઆઈએ આ નિયમમાં ફેરફાર કર્યો છે કેમ કે આ ખેલાડીને જોઈને અન્ય ખેલાડી પણ આવું કરવા લાગ્યા હતાં.
આ મોટા ફેરફાર પણ નજર આવશે
આ ટુર્નામેન્ટ દરમિયાન કોઈ પણ ખેલાડી પોતાનો પર્સનલ સ્ટાફ જેમ કે શેફ, પર્સનલ મેનેજર, ટ્રેનર, સેક્રેટરી કે કોઈ આસિસ્ટન્ટ લઈને જશે નહીં. ખેલાડીઓને સમગ્ર પ્રેક્ટિસ સેશન દરમિયાન સાથે રહેવું પડશે અને વેન્યૂ પર સાથે જ ટ્રાવેલ કરવી પડશે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સીરિઝમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. તમામ ખેલાડીઓએ એક સાથે ટીમ બસમાં ટ્રાવેલ કર્યું હતું.