ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે ગુડ ન્યૂઝ! ફેમિલી મુદ્દે નિયમમાં રાહત આપવાની તૈયારી
Champions Trophy 2025 : ભારતીય ક્રિકેટ ટીમ 20 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે પહેલી મેચ રમીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાના અભિયાનની શરુઆત કરશે. આ પહેલા ભારતીય ખેલાડીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલાં BCCIએ એક આદેશમાં જણાવ્યું હતું કે, ભારતીય ખેલાડીઓ પ્રવાસ દરમિયાન પોતાની ફેમિલીને સાથે રહી શકશે નહીં. પરંતુ હવે આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ખેલાડીઓની ફેમિલી એક મેચ જોઈ શકશે
મીડિયા રિપોર્ટ અનુસાર, BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખેલાડીઓની ફેમિલીને એક મેચ જોવાની અનુમતિ આપી છે. પરંતુ આ પહેલા BCCI પાસેથી મંજૂરી લેવી પડશે. ત્યારબાદ ખેલાડીઓની ફેમિલી મેચ જોઈ શકશે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના કંગાળ દેખાવના કારણે BCCI એ આ કઠોર નિર્ણય લીધો હતો. BCCIના નવા નિયમ અનુસાર, ભારતીય ખેલાડીઓ વિદેશના પ્રવાસ દરમિયાન પોતાની ફેમિલી સાથે થોડો સમય વિતાવી શકશે. પરંતુ પ્રવાસ 45 દિવસનો હશે તો જ ફેમિલી સાથે ખેલાડીઓ રહી શકશે નહિતર નહીં.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે
અહીં તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત 19 ફેબ્રુઆરીથી થશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ બાદ પાકિસ્તાન અને ન્યુઝીલૅન્ડ સામે મેચ રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીના રોજ રમાશે. જ્યારે ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે 2 માર્ચના રોજ મેચ રમાશે. ભારતીય ટીમ પોતાની બધી જ મેચો દુબઈમાં રમશે.