Get The App

IPL પહેલા રણજી રમો... BCCIએ બહાર થયેલા ખેલાડીઓ માટે બનાવ્યો કડક નિયમ

ઇશાન કિશને સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમ મેનેજમેન્ટ પાસેથી બ્રેકની માંગ કરી હતી

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
IPL પહેલા રણજી રમો... BCCIએ બહાર થયેલા ખેલાડીઓ માટે બનાવ્યો કડક નિયમ 1 - image
Image: File Photo

BCCI Issue Ultimatum To Play Ranji Trophy : BCCIએ ઈંગ્લેન્ડ સીરિઝ માટે ભારતીય ટીમની બહાર રહેલા ખેલાડીઓને લઈને કડક નિર્ણય લીધો છે. બોર્ડે ભારતીય ટીમમાંથી બહાર રહેલા ખેલાડીઓને રણજી ટ્રોફીનો આગામી રાઉન્ડ રમવા માટે કડક સૂચના આપી છે. BCCIએ ખેલાડીઓને 16 ફેબ્રુઆરીથી શરૂ થનારા આગામી રાઉન્ડ પહેલા પોતપોતાની રણજી ટીમ સાથે જોડાવા માટે કહ્યું છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ઈશાન કિશન જેવા ખેલાડીઓએ રણજી છોડીને IPLની તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે જ શ્રેયસ અય્યરને પણ ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માટે રણજીમાં સારું પ્રદર્શન કરવું પડશે.

કોચની સલાહને અવગણીને ઈશાન બરોડા પહોંચ્યો

સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈશાને અચાનક ટીમ મેનેજમેન્ટ પાસેથી બ્રેકની માંગ કરી હતી, ત્યારબાદ તે સતત ક્રિકેટથી દૂર છે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, “જો ઇશાન કિશન ટીમમાં વાપસી કરવા ઈચ્છે છે તો તેણે થોડું ક્રિકેટ રમવું પડશે.” જો કે દ્રવિડની સુચના બાદ પણ ઇશાન રણજી ટ્રોફી રમ્યો ન હતો અને તેની ટીમ ઝારખંડ સાથે જોડાયો ન હતો અને ન તો તેણે કોઈ માહિતી આપી હતી. કોચની સલાહને અવગણીને ઈશાન બરોડા પહોંચ્યો હતો અને હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

ખેલાડીઓએ પોતાના રાજ્યની ટીમોને પ્રાધાન્ય આપવું પડશે

રણજી ટ્રોફી રમવાની BCCIની સલાહ માત્ર ઈશાન અને શ્રેયસને જ નહીં, પરંતુ ક્રુણાલ અને દીપક ચહર જેવા ખેલાડીઓને પણ લાગુ પડશે, જેઓ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની યોજનામાં નથી. શ્રેયસના ખરાબ ફોર્મના કારણે તેને ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ મેચમાંથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે તેને પણ આ નિર્ણય સ્વીકારવો પડશે. BCCIના એક સૂત્રે જણાવ્યું હતું કે ખેલાડીઓ તેમની પસંદગી મુજબ IPL અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કોઈ એકની પસંદગી કરી શકતા નથી. તેણે કહ્યું, 'માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કે IPLમાં જ રમવું નથી હોતું. ખેલાડીઓએ સ્થાનિક સિઝન અને ક્રિકેટનો પણ ભાગ બનવું પડશે અને પોતાના રાજ્યની ટીમોને પણ પ્રાધાન્ય આપવું પડશે.’

કોહલી અને પંડ્યા પર લાગુ નહીં પડે નિયમ

હાર્દિક પંડ્યાને હજુ સુધી નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી રમવાની મંજૂરી મળી નથી. આ ઉપરાંત આ નિર્ણય વિરાટ કોહલી પર લાગુ થશે નહીં જે અંગત કારણોસર ટીમની બહાર છે. ઈશાન IPLની રાહ જોઈને પોતાનો સમય બગાડી રહ્યો છે. મળેલા અહેવાલો મુજબ તેણે બોર્ડને પણ જણાવ્યું નથી કે તે ક્યાં છે અને શું કરી રહ્યો છે.

IPL પહેલા રણજી રમો... BCCIએ બહાર થયેલા ખેલાડીઓ માટે બનાવ્યો કડક નિયમ 2 - image


Google NewsGoogle News