IPL 2024માં રિષભ પંત રમશે? BCCIએ સ્ટાર ખેલાડીની ફિટનેસ પર આપ્યું લેટેસ્ટ અપડેટ
IPL 2024ની પ્રથમ મેચ 22 માર્ચના દિવસે રમાનાર છે
Image:File Photo |
IPL 2024 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પરંતુ ટુર્નામેન્ટ પહેલા મોહમ્મદ શમી, રિષભ પંત અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઈજા ફ્રેન્ચાઈઝી માટે ચિંતાનું કારણ બની રહી હતી. પરંતુ હવે BCCIએ ત્રણેય ખેલાડીઓનું અપડેટ જાહેર કર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ IPLમાં રમશે કે નહીં.
રિષભ પંત
રિષભ પંત અંગે અપડેટ આપતા BCCIએ જણાવ્યું કે, “30 ડિસેમ્બર, 2022ના રોજ ઉત્તરાખંડના રૂરકી નજીક એક જીવલેણ માર્ગ અકસ્માત બાદ 14 મહિનાના સઘન રિહેબ અને રિકવરી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પંત હવે વિકેટકીપર બેટર તરીકે આગામી IPL 2024 માટે ફિટ જાહેર કરેલ છે.”
મોહમ્મદ શમી
મોહમ્મદ શમી વિશે અપડેટ આપતાં BCCIએ કહ્યું કે, “ફાસ્ટ બોલરની એડીની સમસ્યાને કારણે 26 ફેબ્રુઆરીએ સર્જરી કરવામાં આવી હતી. તે હાલમાં BCCIની મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે અને તેને આગામી IPL 2024માંથી બહાર કરવામાં આવ્યો છે.” જણાવી દઈએ કે શમી વર્લ્ડકપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેણે તમામ મેચો ઈજા સાથે રમી હતી. ટુર્નામેન્ટની ફાઈનલ બાદ તે ક્રિકેટના મેદાન પર વાપસી કરી શક્યો નથી.
પ્રસિદ્ધ કૃષ્ણા
ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા 23 ફેબ્રુઆરીના રોજ ડાબા પ્રોક્સિમલ ક્વાડ્રિસેપ્સ ટેન્ડનની સર્જરી કરાવી હતી. તે હાલમાં BCCIની મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે અને ટૂંક સમયમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ શરૂ કરશે. તે આગામી IPL 2024માં ભાગ લેશે નહીં.