IPL 2025: LSGના યુવા બોલરને શાનદાર બોલિંગ કરવા છતાં આ હરકત ભારે પડી, BCCIએ ફટકાર્યો મોટો દંડ
BCCI fines LSG bowler Digvesh Singh Rathi: આઈપીએલ 2025ની 13મી મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને બેટર પ્રિયાંશ આર્યની વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું છે. તેના પર આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈએ 25 વર્ષીય દિગ્વેશને મેચ ફીના 25 ટકા દંડ ભરવા આદેશ આપ્યો છે. તેમજ તેને ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યો છે.
પંજાબ કિંગ્સનો બેટર પ્રિયાંશ આર્ય આઉટ થઈ જતાં બોલર દિગ્વેશ લેટર રાઈટિંગ સેલિબ્રેશન કર્યું હતું. જેના લીધે બીસીસીઆઈએ તેના પર મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે. તેમજ તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યો છે.
પંજાબ કિંગ્સે આઠ વિકેટે મેચ જીતી
ગઈકાલે એકાના સ્ટેડિયમમાં રમાયેલી લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવનની મેચમાં પંજાબે આઠ વિકેટે મેચ જીતી હતી. લખનઉએ પંજાબને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબની બેટિંગ દરમિયાન ત્રીજી ઓવરના અંતિમ બોલમાં પ્રિયાંશ કેચઆઉટ થયો હતો.
કેવી રીતે કરી ઉજવણી
આઈપીએલે નિવેદન આપ્યું હતું કે, દિગ્વેશ સિંહે આર્ટિકલ 2.5 હેઠળ લેવલ 1નો ગુનો સ્વીકાર્યો છે. અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજા પણ સ્વીકારી છે. દિગ્વેશની ત્રીજી ઓવરના છેલ્લા બોલમાં પ્રિયાંશ કેચઆઉટ થયો હતો. શાર્દૂલ ઠાકૂરે મિડ-ઓનથી દોડી કેચ પકડ્યો હતો.પ્રિયાંશના આઉટ થતાં જ દિગ્વેશે હાથમાં કંઈક લખતો હોય તેવો સંકેત કર્યો હતો. જેના લીધે આઈપીએલની આચાર સંહિતાનો ભંગ થયો હતો. એમ્પાયરે બોલરના આ ઈશારા પર ધ્યાન દોર્યું અને તેની સાથે વાત કરી હતી.
કોણ છે દિગ્વેશ સિંહ રાઠી
લેગ સ્પિનર દિગ્વેશ સિંહ રાઠી સુનીલ નરેનની જેમ બોલિંગ કરે છે. દિગ્વેશે 2024માં રમાયેલી દિલ્હી પ્રીમિયમ લીગમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ તરફથી આકર્ષક પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં દિગ્વેશે 10 મેચમાં 14 વિકેટ લઈ સૌથી વધુ વિકેટ ઝડપનાર ચોથો બોલર રહ્યો હતો. તેનો ઈકોનોમી રેટ 7.83 રહ્યો હતો. આઈપીએલ 2025 માટે લખનઉ સુપર જાયન્ટ્સે તેને રૂ. 30 લાખમાં ખરીદ્યો હતો.