Get The App

પાકિસ્તાન શા માટે નહીં જાય ટીમ ઈન્ડિયા? BCCIએ આપ્યો જવાબ, ICCને લખેલા પત્રમાં થયો ખુલાસો

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન શા માટે નહીં જાય ટીમ ઈન્ડિયા? BCCIએ આપ્યો જવાબ, ICCને લખેલા પત્રમાં થયો ખુલાસો 1 - image

Champions Trophy 2025 : આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરવાનું છે. BCCIએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો છે. હવે તેની પાછળનું કારણ પણ સામે આવી રહ્યું છે કે, શા માટે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જવા માંગતી નથી. BCCIએ ICC(ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને પત્ર લખ્યો છે. જેમાં આ બાબતનો ખુલાસો થયો છે.

BCCIએ શું લખ્યું પત્રમાં?

એક અહેવાલ અનુસાર, BCCIએ તેના જવાબમાં સુરક્ષાની ચિંતાઓને પ્રાથમિકતા આપી છે. આ સાથે જ તેમણે ICCને એક દસ્તાવેજ મોકલ્યો છે, જેમાં પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરાયો છે. આ દસ્તાવેજ પાકિસ્તાનમાં સીમાપાર આતંકવાદ અને ભારતીય ક્રિકેટ ટીમ સામે સંભવિત ખતરા વિશે વાત કરવામાં આવી છે. BCCI માને છે કે સામાન્ય પાકિસ્તાની જનતા દ્વારા આવકારવા છતાં ભારતીય ટીમ આતંકવાદીઓ માટે સંભવિત લક્ષ્ય બની શકે છે. જેમ કે વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ સાથે થયું હતું. રિપોર્ટમાં છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં બનેલી અનેક આતંકવાદી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

PCBએ શું જવાબ આપ્યો? 

ભારતે છેલ્લે વર્ષ 2006માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. BCCIના પાકિસ્તાન ન જવાના નિર્ણય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ કહ્યું હતું કે, 'પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ દ્વારા યજમાની કરશે નહીં.  જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો આખી ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં જ આયોજિત કરવામાં આવશે.' 

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાતચીત?, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું

હવે શું વિકલ્પ છે ICC પાસે? 

PCB અને BCCIના કડક વલણને કારણે હવે ICC સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. ICC પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્રણ વિકલ્પો છે. પહેલો, ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવીને અન્ય કોઈ દેશને આપી દેવી જોઈએ. આ વિકલ્પમાં PCB ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે. બીજું, PCBને BCCIના પ્રસ્તાવિત હાઈબ્રિડ મોડલ માટે સહમત થઇ જાય અને જેના હેઠળ 15માંથી 5 મેચો UAEમાં યોજાશે. ત્રીજું, ચેમ્પિયન્સ ટ્રોફી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવે. આ નિર્ણયથી ICC અને PCB બંનેને નાણાકીય નુકસાન થઈ શકે છે. કારણ કે આ ટુર્નામેન્ટમાંથી મોટી કમાણી થવાની અપેક્ષા છે.

પાકિસ્તાન શા માટે નહીં જાય ટીમ ઈન્ડિયા? BCCIએ આપ્યો જવાબ, ICCને લખેલા પત્રમાં થયો ખુલાસો 2 - image


Google NewsGoogle News