BCCIની વાત ન માનવી ભારે પડી! આ બે સ્ટાર ક્રિકેટરને ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા
IND vs ZIM T20 Series: એક તરફ વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડકપ-2024 રમાઈ રહ્યો છે, જેમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે, તો બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. કેટલાક ખાસ ખેલાડીઓ પર ચાહકોની નજર હતી. અને જ્યારે ટીમની જાહેરાત થઈ ત્યારે તેમના મોઢામાંથી એ જ નીકળ્યું કે, આ સજા તો કંઈક વધારે જ સખ્ત થઈ ગઈ છે. ટીમ ગિલનો આ પ્રવાસ 6 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે. જેમાં 5 ટી20 મેચ રમાવામાં આવશે. આ પ્રવાસ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બધા એવું માનીને ચાલી રહ્યા હતા કે, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને તક મળશે.
બોર્ડે હજુ સુધી બંનેને તેમની ભૂલ માટે માફ નથી કર્યા
સોમવારે સવારથી જ સોશિયલ મીડિયા પર શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને લઈને ચાહકોમાં જોર-શોરથી ચર્ચા ચાલી રહી હતી. બધા માની રહ્યા હતા કે આ પ્રવાસમાં બંનેને અથવા બંનેમાંથી એકને ચોક્કસ સ્થાન આપવામાં આવશે, પરંતુ અય્યરને નજરઅંદાજ કરવો અને ઈશાન કિશન પહેલા ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરવું એ જણાવવા માટે પૂરતું છે કે બોર્ડે હજુ સુધી બંનેને તેમની ભૂલ માટે માફ નથી કર્યા.
એક ભૂલની કિંમત ચૂકવી રહ્યા છે બંને ખેલાડી
આ વર્ષે IPL શરૂ થતા પહેલા જ શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની મોટી ભૂલ થઈ ગઈ હતી. ગl વર્ષે ડિસેમ્બરથી જાન્યુઆરી 2024 દરમિયાન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈશાન કિશને માનસિક થાકનો હવાલો આપી ભારત પરત આવી ગયો હતો. પરંતુ ભારત પરત ફર્યા બાદ તે પાર્ટી કરતો નજર આવતા તેના પર સવાલો ઉઠવા લાગ્યા હતા. ઈશાનની માત્ર આટલી જ ભૂલ નહોતી. એક તરફ તે પોતાને અનફિટ ગણાવી રહ્યો હતો તો બીજી તરફ તે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે જીમમાં પરસેવો પાડી રહ્યો હતો. આ વાત BCCIને પસંદ ન આવી. મામલો ત્યારે વધુ બગડ્યો જ્યારે બોર્ડ સેક્રેટરી જય શાહની સૂચના છતાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમ્યો. આવું જ કંઈક શ્રેયસ અય્યર સાથે પણ થયું. કોચ દ્રવિડની સૂચના છતાં અય્યર ડોમેસ્ટિક ક્રિકેટમાં નહોતો રમ્યો. અને જ્યારે તે મુંબઈ તરફથી રમ્યો ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું. બંને જ ખેલાડીઓની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી માટે અવગણના કરવામાં આવી તો બીજી તરફ હવે ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ બંનેને ટીમમાં જગ્યા ન આપી BCCIએ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે, આ પ્રકારનું વલણ અને મનોદશા અસ્વીકાર્ય છે.