KL રાહુલ મુદ્દે BCCIનું મન બદલાયું, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સિલેક્ટર્સે ઠુકરાવી માગ
Image: Facebook
Champions Trophy 2025: કેએલ રાહુલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં રમી શકે છે. પહેલા બીસીસીઆઈએ તેને આરામ આપવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફીથી પહેલા મેચ પ્રેક્ટિસ માટે તેને ટીમમાં સામેલ કરવા પર વિચાર થઈ રહ્યો છે. પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર તેમને ટીમમાં જોવા ઈચ્છે છે. બીસીસીઆઈએ આઈસીસીથી ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાત માટે સમય મર્યાદા વધારવાની પણ વિનંતી કરી છે. ટીમમાં ઘણા ખેલાડીઓના નામ પર ચર્ચા છે પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય થયો નથી.
રાહુલે બોર્ડ પાસે બ્રેક માગ્યો હતો
કેએલ રાહુલે બીસીસીઆઈથી ઈંગ્લેન્ડ પ્રવાસથી બ્રેક માગ્યો હતો જેને બોર્ડે મંજૂર પણ કરી લીધો હતો પરંતુ હવે બોર્ડે પોતાનું મન બદલી દીધું છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રાહુલે મેચ પ્રેક્ટિસ અપાવવા માટે તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં રમાડી શકાય છે. એક રિપોર્ટ અનુસાર 'સિલેક્ટર્સે શરૂઆતમાં રાહુલને પૂરા વ્હાઈટ-બોલ સીરિઝથી આરામ આપવાનો નિર્ણય લીધો હતો. રાહુલ મિડલ ઓર્ડરમાં રમે છે અને વનડેમાં વિકેટકીપર પણ છે. જોકે, તેણે ફરીથી વિચાર કર્યો અને બીસીસીઆઈએ હવે તેમને વનડે સીરિઝમાં રમવા માટે કહ્યું છે જેથી તે ચેમ્પિયન્સ ટ્રોફીથી પહેલા અમુક મેચ પ્રેક્ટિસ કરી શકે.'
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં ભારતીય બેટિંગ ફિક્કી પડી ગઈ હતી. રાહુલ તે અમુક બેટ્સમેનો પૈકીનો એક હતો જેમણે રન બનાવ્યા. તે 10 ઈનિંગમાં 30.66 ની સરેરાશથી 276 રન બનાવીને ભારત માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો. ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં વિકેટકીપર બેટ્સમેનના સ્થાને રાહુલ, ઋષભ પંત અને સંજૂ સેમસનની વચ્ચે આકરી ટક્કર છે. પહેલા લાગી રહ્યું હતું કે રાહુલની પસંદગી પાક્કી છે પરંતુ હવે સિલેક્ટર્સ તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં પારખવા ઈચ્છે છે.
ટીમ જાહેરાતમાં મોડું શક્ય
રિપોર્ટ અનુસાર બીસીસીઆઈએ આઈસીસીથી ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાતની સમય મર્યાદા વધારવાની વિનંતી કરી છે. આઈસીસીએ 12 જાન્યુઆરીએ અંતિમ ટીમની જાહેરાતની સમય મર્યાદા નક્કી કરી હતી પરંતુ એવું લાગે છે કે બોર્ડ ત્યાં સુધી ટીમની જાહેરાત કરી શકશે નહીં. મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, સંજૂ સેમસન, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી જેવા ઘણા ખેલાડીઓના નામે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ માટે ચર્ચામાં છે પરંતુ હજુ સુધી આ વિશે કોઈ સ્પષ્ટતા નથી.