IPLના ખેલાડીઓની બલ્લે-બલ્લે: પ્રત્યેક મેચ માટે મળશે વન-ડે કરતાં વધુ રૂપિયા, BCCIની જાહેરાત
BCCI Announcement For IPL: IPL 2025ને લઈને ધીમે ધીમે તૈયારીઓ અત્યારથી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ભારતીય અને વિદેશી ખેલાડીઓ માટે BCCIએ મોટી જાહેરાત કરી છે. આગામી સિઝનમાં તમામ ખેલાડીઓને પ્રત્યેક મેચ માટે વધારાના રૂપિયા આપવામાં આવશે. નોંધનીય છે કે જે તે ખેલાડીઓને તેમની ફ્રેન્ચાઇઝી દ્વારા રકમ આપવામાં આવે છે, તે રકમ તો મળતી જ રહેશે. આ ઉપરાંત તેમને એક મેચ માટે 7.5 લાખ રૂપિયા વધારાના આપવામાં આવશે. જો કોઈ ખેલાડી ફ્રેન્ચાઇઝી માટે આખી સિઝન રમશે તો તેને કુલ 1.05 કરોડ રૂપિયા વધારાના મળશે.
બીસીસીઆઇ એ આપી માહિતી
બીસીસીઆઈ એ તેના એક્સ હેન્ડલ પર લખ્યું કે, "આઈપીએલમાં સાતત્ય અને શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરતા અમે અમારા ક્રિકેટરોને મેચ દીઠ 7.5 લાખ રૂપિયાની મેચ ફી આપવા રોમાંચિત છીએ! એક સિઝનમાં તમામ લીગ મેચો રમનારા ક્રિકેટરને તેના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે રૂ. 12.60 કરોડ ફાળવશે. આઈપીએલ અને અમારા ખેલાડીઓ માટે આ નવો યુગ છે."
આ પણ વાંચોઃ ગજબ! રૂમાલના કારણે આઉટ થવાથી બચ્યો બેટર, બોલર અને અમ્પાયર ચોંક્યા, જુઓ વીડિયો
ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય
બીસીસીઆઈનો આ નિર્ણય એવા અનકેપ્ડ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કે જેમને બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવે છે અને અન્ય કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની સરખામણીમાં સિઝનમાં ખૂબ ઓછા પૈસા કમાય છે. આ નિર્ણયનો અર્થ એ પણ છે કે આગામી સિઝન માટે ટીમો પાસે રહેતી રકમ પણ વધી શકે છે. નોંધનીય છે કે, બીસીસીઆઇ ટૂંક સમયમાં આગામી IPL 2025ની હરાજી અને રીટેન્શન પોલિસી માટેના નિયમોની પણ જાહેરાત કરશે.
આ પણ વાંચોઃ ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવો કમાલ કરનારો પહેલો ખેલાડી બન્યો રવિન્દ્ર જાડેજા