ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલા ભારતને મળ્યો નવો બેટિંગ કોચ, સૌરાષ્ટ્રના દિગ્ગજ ખેલાડીને સોંપાઈ જવાબદારી
Sitanshu Kotak Join Team India as Bating Coach: ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. સતત બે ટેસ્ટ સીરિઝમાં કારમી હાર બાદ બીસીસીઆઈ સફાળી જાગી છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચનું એલાન કરી દીધું છે. સિતાંશુ કોટકને ભારતીય ટીમના નવા બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. સિતાંશુ કોટક આ પહેલાં ઈન્ડિયા-A ટીમના કોચ રહી ચુક્યા છે. સિતાંશુએ સૌરાષ્ટ્રની ટીમને પણ કોચિંગ આપી ચુક્યા છે. સિતાંશુને ઇંગ્લેન્ડ સામે વનડે અને T20 સીરિઝ માટે ભારતીય ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે.
કોણ છે સિતાંશુ કોટક?
સિતાંશુ કોટક સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટરમાંથી એક છે. પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન સિતાંશુ 130 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યા છે, જેમાં તેઓએ 15 સદીની મદદથી 8061 રન ફટકાર્યા હતાં. સિતાંશુની બેટિંગ સરેરાશ 41 થી વધુની રહી છે. એટલું જ નહીં લિસ્ટ-A માં પણ સિતાંશુએ 42 થી વધુ સરેરાશથી 3083 રન બનાવ્યા હતાં.
આ પણ વાંચોઃ ગંભીરની ટકોર બાદ ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટર કરશે દિલ્હીની રણજી ટીમની કેપ્ટન્સી
કોચિંગનો પણ અનુભવ
નોંધનીય છે કે, સિતાંશુ કોટકને કોચિંગનો પણ સારો એવો અનુભવ છે. વર્ષ 2020ની રણજી ટ્રોફીમાં સિતાંશુ જ સૌરાષ્ટ્રના હેડ કોચ હતાં જેમાં તેમના કોચિંગ હેઠળ ટીમ ચેમ્પિયન પણ બની હતી. સિતાંશુ કોટક જ એ વ્યક્તિ છે, જેઓએ 2019માં રાહુલ દ્રવિડની જગ્યા લીધી હતી. વર્ષ 2019માં જ્યારે રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ બન્યા હતાં ત્યાકે ઈન્ડિયા-A ટીમ ની કોચિંગની જવાબદારી સિતાંશુ કોટકે સંભાળી હતી. હવે સિતાંશુ કોટકને ભારતીય ટીમમાં જોડી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રોહિત શર્મા અને કોહલીની બેટિંગ સુધારવા BCCIનો માસ્ટર પ્લાન, ગંભીરની ટીમમાં થશે ફેરફાર
સિતાંશુ કોટક સામે પડકાર
સિતાંશુ કોટક માટે આ એક એક મોટો પડકાર છે. કારણ કે, ઇંગ્લેન્ડ સામે સીરિઝ પહેલાં ભારતીય બેટર ફોર્મમાં નથી. આ સિવાય સિતાંશુ માટે ભારતીય બેટરના માઇન્ડસેટ અને ટેક્નિકને ઠીક કરવું સરળ નહીં રહે. સિતાંશુ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમના બેટિંગ કોચ બને તો તેમની મુશ્કેલી વધી શકે છે. કારણ કે, ભારતીય ટીમના બેટિંગ યુનિટની હાલત કફોડી છે. વિરાટ કોહલી જે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સતત આઠ વાર એક જ રીતે આઉટ થઈ ગયો હતો. આ ઉપરાંત રોહિત શર્માની તો એટલી ખરાબ હાલત થઈ ગઈ કે, તેનું ફૂટવર્ક ગાયબ થઈ ગયું. રાહુલ અને શુભમન ગિલ પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. વળી, ઇંગ્લેન્ડની પીચ પર બેટરને ઘણો સંઘર્ષ કરવો પડે છે, આવી સ્થિતિમાં સિતાંશુ કેવી રીતે ભારતીય બેટરોની ફોર્મને ટ્રેક પર લાવશે તે મોટો સવાલ છે.