T20 વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય ટીમ પર નાણાંનો વરસાદ, 125 કરોડ રૂપિયા આપવાની BCCIની જાહેરાત
Prize Money of 125 Crores for Team India : ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ-2024માં ચેમ્પિયન બન્યા બાદ તમામ ખેલાડીઓની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ રહી છે. ભારતે ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમને સાત રને પરાજય આપ્યો છે. આ જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયા માટે મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કહ્યું કે, ભારતીય ટીમને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા અપાશે.
BCCIએ ખેલડીઓ, કોચ અને સ્ટાફને આપ્યા અભિનંદન
બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું છે કે, ટી20 વર્લ્ડકપ-2024માં ચેમ્પિયન બનવા બદલ ભારતીય ટીમને અભિનંદન. અમે ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાનું પુરસ્કાર જાહેર કરવાની સાથે ખુશી વ્યક્ત કરીએ છીએ. બોર્ડે એમ પણ કહ્યું કે, ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, દૃઢ સંકલ્પ અને ખેલ ભાવના સાથે પ્રદર્શન કર્યું છે. આ ઉત્કૃષ્ઠ ઉપલબ્ધી બદલ તમામ ખેલાડીઓ, કોચો અને સાથી સ્ટાફને અભિનંદન...
આ પણ વાંચો : ઈન્ટરનેશનલ T-20 ક્રિકેટમાંથી કોહલી-રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ કરી નિવૃત્તિની જાહેરાત
રોહિતને જોઈને બધાને સચિન યાદ આવી ગયો
રોહિત શર્માનો આ વીડિયો જોયા બાદ તમામ ભારતીય ફેન્સને સચિન તેંડુલકરની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ યાદ આવી ગઈ હતી જ્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી અને આ મેચ પૂરી થયા બાદ તે પીચ પર ગયો હતો અને નમન કર્યું હતું. તમને જણાવી દઈએ કે રોહિતની સાથે વિરાટ કોહલીએ પણફાઈનલ મેચ બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
વિરાટ કોહલી- રોહિત શર્માનો ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ
ભારતીય ક્રિકેટ ટીમ માટે 29 જૂન 2024ની તારીખ યાદગાર બની ગઇ છે. આ સાથે જ આ તારીખે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ પહેલા વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.તે બાદ રોહિત શર્માએ પણ ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.
છેલ્લી ચાર ઓવરમાં મેચ પલટાઈ ગઈ
તમને જણાવી દઈએ કે મેચમાં એક સમયે ભારતીય ટીમ બેક ફૂટ પર જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ હેનરિક ક્લાસેન (52)ની ઇનિંગની મદદથી મેચ પર પકડ બનાવી રાખી હતી. પરંતુ ભારતે છેલ્લી ચાર ઓવરોમાં બાજી પલટી. જસપ્રીત બુમરાહે માર્કો જેન્સનને આઉટ કર્યો અને ઓવરમાં માત્ર બે રન આપ્યા. ત્યારબાદ અર્શદીપ સિંહે 19મી ઓવરમાં ચાર રન ખર્ચ્યા હતા. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં વર્ચસ્વ જમાવ્યું અને ડેવિડ મિલર અને કાગિસો રબાડાની વિકેટ લીધી. સૂર્યકુમાર યાદવ (SuryaKumar Yadav)નો કેચ ક્રિકેટ ચાહકો લાંબા સમય સુધી યાદ રાખશે.
ભારતે ચોથો આઈસીસી વર્લ્ડકપ જીત્યો
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારતે ઈતિહાસ રચ્યો છે. ટીમે ઈતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ અને બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો.