હવે નહીં ચાલે બેટર્સની મનમાની, બોલર્સ માટે નિયમોમાં ફેરબદલ કરવાની તૈયારીમાં ICC
ICC is ready to change rules for bowlers : દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલોકે જણાવ્યું છે કે, ICC ક્રિકેટ સમિતિ બોલરોને વાઈડ બોલને લઈને થોડી વધુ છૂટ આપવા માટે કામ કરી રહી છે. કારણ કે વર્તમાન નિયમ તેમના માટે ખૂબ જ કડક છે. વનડે અને T20Iમાં બેટર બોલરની લાઇન અને લેન્થને બગાડવા માટે ક્રીઝ પર છેલ્લી ઘડીએ મૂવમેન્ટ કરે છે. જેના પરિણામે ઘણીવાર બોલ વાઈડ થઈ જાય છે. પોલોકે જણાવ્યું હતું કે, 'હું ICC ક્રિકેટ સમિતિનો સભ્ય છું અને અમે વાઈડ બોલ પર બોલરોને થોડી વધુ છૂટ આપવાનું વિચારી રહ્યા છીએ. મને લાગે છે કે બોલરો પ્રત્યે નિયમો ખૂબ જ કડક છે.'
હું નિયમમાં થોડો ફેરફાર ઇચ્છું છું
તેણે વધુમાં કહ્યું હતું કે, 'જો કોઈ બેટર છેલ્લી ઘડીએ મૂવમેન્ટ કરે છે તો તે બોલરો માટે ખરેખર આદર્શ પરિસ્થિતિ નથી. મને લાગે છે કે બોલર માટે રન-અપની શરૂઆતમાં જ એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે તે ક્યાં બોલિંગ કરી શકે છે. હાલના નિયમો અનુસાર, જો બોલર બોલ છોડે તે પહેલાં બેટર પોતાની સ્થિતિ બદલી નાખે છે તો બોલને વાઈડ જાહેર કરવામાં આવે છે. હું આ નિયમમાં થોડો ફેરફાર ઇચ્છું છું. બોલર્સને રન-અપ દરમિયાન ખબર હોવી જોઈએ કે તેમણે ક્યાં બોલિંગ કરવાની છે.'
બોલરને ખબર હોવી જોઈએ કે તેણે ક્યાં બોલિંગ કરવાની છે
બોલિંગણ લઈને તેણે કહ્યું કે, 'હું ઇચ્છું છું કે બોલરને રન-અપ દરમિયાન ખબર પડે કે તેણે ક્યારે, કેમ અને કેવા પ્રકારનો બોલ ફેંકવાનો છે. બોલિંગ કરતી વખતે છેલ્લી સેકન્ડે બોલર પાસેથી વ્યૂહનીતિ બદલવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? તેને પહેલાથી જ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે તેણે ક્યાં બોલિંગ કરવી છે.'
અમારું ટેસ્ટ ક્રિકેટ મજબૂત બનશે
આ સિવાય પોલોકે દક્ષિણ આફ્રિકાની ટીમને લઈને જણાવ્યું હતું કે, 'દક્ષિણ આફ્રિકાએ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઉપખંડની પરિસ્થિતિઓનો લાભ લેવો જોઈએ. તેમણે કહ્યું, 'અમારી ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓ છે જેઓ વનડે વર્લ્ડકપ 2023માં રમ્યા હતા. જ્યાં અમે સેમિ ફાઇનલમાં પહોંચ્યા હતા અને ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા. અમારી ટીમમાં ઘણાં ખેલાડીઓ છે કે જે IPLમાં રમી રહ્યા છે અને ઉપખંડની પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છે. આ દક્ષિણ આફ્રિકાને મદદ કરી શકે છે. અમારી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આનાથી અમારું ટેસ્ટ ક્રિકેટ મજબૂત બનશે.'