ઈજાગ્રસ્ત રિષભ પંત આગામી ટુર્નામેન્ટમાં રમશે કે નહી? એક કરતાં વધુ ઈજા થઇ હોવાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ
Rishabh Pant : રિષભ પંતે પોતે DDCA (Delhi & District Cricket Association) ના પ્રમુખ રોહન જેટલીને ફોન કરીને રણજી ટ્રોફીમાં રમવા માટે સંમતિ આપી દીધી છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું પંત ઈજા સાથે રણજીમાં મેચ રમશે ખરો? આ સવાલ એટલા માટે ઉભો થયો છે કારણ કે, હવે જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તે મુજબ, પંત હાલ ઈજાગ્રસ્ત છે અને ઈજાને કારણે તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં, તેનો NCA (National Cricket Academy) માં રિહેબ કરવાનો પણ પ્લાન હતો. હવે સવાલ એ છે કે આ સ્થિતિમાં પંત રણજી ટ્રોફી મેચ કેવી રીતે રમી શકશે?
શું ઈજા સાથે રિષભ રમશે?
23 જાન્યુઆરીથી રણજી ટ્રોફીની શરૂઆત થઈ રહી છે. જેમાં દિલ્હીની ટીમનો પહેલો મુકાબલો સૌરાષ્ટ્ર સામે થશે. આ મેચમાં રિષભ પંત રમે તેવી અપેક્ષા છે કારણ કે તેનું નામ સંભવિત ખેલાડીઓની યાદીમાં છે. પણ જો તે ઘાયલ થાય છે તો કેવી રીતે રમી શકે? એક અહેવાલ મુજબ, રિષભને ફક્ત એક જ નહીં પરંતુ અનેક ઈજાઓ થઇ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને આ બધી ઇજાઓ થઈ હતી. તે ઇજાઓને ધ્યાનમાં રાખીને તેને 10 થી 14 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, પહેલીવાર 400 પાર વનડેમાં સ્કોર,બનાવ્યા અનેક રેકોર્ડ
પંતનો 14 દિવસનો આરામનો સમય પૂરો!
હવે શક્ય છે કે પંતે રિપોર્ટમાં ઉલ્લેખિત 10 થી 14 દિવસનો આરામ કરી લીધો હોય. કારણ કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યાને ઘણો સમય થઈ ગયો છે. રણજી ટ્રોફી શરૂ થાય ત્યાં સુધીમાં પંતનો 14 દિવસનો આરામનો સમય પણ પૂરો થઈ જશે. આ જ કારણ છે કે તેણે રણજી ટ્રોફી માટે રમવાનું નક્કી કર્યું છે. કારણ કે, કોઈ પણ ખેલાડી ઈજા સાથે ટુર્નામેન્ટ રમવા માંગશે નહીં.