વિજય હજારે ટ્રોફીમાં બરોડાની ટીમનો પરાજય: મહારાષ્ટ્ર અને કર્ણાટક સેમિ ફાઇનલમાં
Image - 'X' |
Vijay Hazare Trophy 2025 : હાલમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફીની સિઝનમાં બે ટીમો સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જેમાં ઋતુરાજ ગાયકવાડના નેતૃત્ત્વ હેઠળની મહારાષ્ટ્ર ટીમ અને મયંક અગ્રવાલના નેતૃત્તવ હેઠળની કર્ણાટક ટીમનો સમાવેશ થાય છે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટના ત્રીજા ક્વાર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્રે પંજાબની ટીમને હરાવી હતી. જ્યારે ચોથા ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટક બરોડા સામે જીતી ગયું હતું.
મહારાષ્ટ્ર 70 રનથી મેચ જીતી પહોંચ્યું સેમિ ફાઈનલમાં
વડોદરાના કોટામ્બી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં ટોસ હાર્યા બાદ પહેલી બેટિંગ કરતા મહારાષ્ટ્રે અર્શીન કુલકર્ણીની 107 રનની સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 275 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનિંગમાં 276 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની ટીમ 44.4 ઓવરમાં 205 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી અને મહારાષ્ટ્રે આ મેચ 70 રનથી જીતી લીધી હતી. પંજાબ તરફથી અર્શદીપે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. મહારાષ્ટ્ર તરફથી મુકેશ ચૌધરીએ ત્રણ વિકેટ લીધી હતી.
દેવદત્ત પડિક્કલની શાનદાર ઇનિંગની મદદથી કર્ણાટક બરોડા સામે જીત્યું
તો બીજી તરફ વડોદરાના મોતી બાગ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચમાં બરોડાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી કર્ણાટક ટીમના ખેલાડી દેવદત્ત પડિક્કલની 102 રનની મદદથી ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં બરોડા તરફથી રાજ લિંબાણી અને એ. શેઠે 3-3 વિકેટ લીધી હતી. આ પછી બીજી ઇનિંગમાં બરોડાની ટીમ 49.5 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ સાથે જ કર્ણાટક 5 રનથી મેચ જીતી ગયું હતું. બરોડા તરફથી શાશ્વત રાવતે 104 રનની ઇનિંગ રમી.
કવાર્ટર ફાઈનલ મેચ ગુજરાત અને હરિયાણા વચ્ચે રમાશે
અહીં તમને જણાવી દઈએ કે વિજય હજારે ટ્રોફીની પહેલી કવાર્ટર ફાઈનલ મેચ 12 જાન્યુઆરીએ ગુજરાત અને હરિયાણા વચ્ચે રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે ટીમ 15 જાન્યુઆરીએ સેમિ ફાઇનલમાં કર્ણાટક સામે ટકરાશે. જ્યારે બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ 12 જાન્યુઆરીએ વિદર્ભ અને રાજસ્થાન વચ્ચે રમાશે. અને આ મેચ જે ટીમ જીતશે તે વિજેતા ટીમ 16 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની ટીમ સામે ટકરાશે.