ક્રિકેટ ઈતિહાસના સૌથી કંજૂસ બોલર 'બાપુ', ઈંગ્લેન્ડ સામે 131 બોલમાં એક પણ રન નહોતો આપ્યો
Image- 'x' |
Bapu Nadkarni : 12 જાન્યુઆરી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ ખાસ દિવસ છે. 61 વર્ષ પહેલાં એટલે કે સન 1964માં આજના દિવસે એક ભારતીય બોલરે એક એવો રેકોર્ડ બનાવ્યો હતો જેને તોડવો આજે પણ ખૂબ જ મુશ્કેલ છે. આ બોલરનું નામ બાપુ નાદકર્ણી હતું. બાપુના નામે એક ટેસ્ટમાં સતત 131 બોલ ફેંકીને એક પણ રન ન આપવાનો રેકોર્ડ છે. તેમને હંમેશા સૌથી 'કંજૂસ' બોલર તરીકે યાદ કરવામાં આવે છે.
131 બોલ ફેંકીને એક પણ રન ન આપ્યો
ડાબોડી સ્પીનર બાપુ નાદકર્ણીએ મદ્રાસ (હાલનું ચેન્નાઈ) ના કોર્પોરેશન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે આ અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. અહીં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન, તેણે એક પછી એક 131 બોલ ફેંક્યા હતા. જેમાં તેમણે એક પણ રન આપ્યો નહોતો. તે ઇનિંગમાં તેણે કુલ 32 ઓવરમાં 27 મેડન ઓવર ફેંકી હતી. જેમાં સતત 21 મેડન ઓવરનો સમાવેશ થાય છે. તેમણે ફક્ત 5 રન આપ્યા હતા.
નેટ પર સિક્કો મૂકીને બોલિંગ કરતા હતા બાપુ
પાકિસ્તાન સામે પણ બાપુ નાદકર્ણીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સન 1960-61માં પાકિસ્તાન સામેની સીરિઝ દરમિયાન બાપુએ કાનપુર ટેસ્ટની પહેલી ઇનિંગમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ દિલ્હી ટેસ્ટ દરમિયાન પણ પાકિસ્તાનની પહેલી ઇનિંગમાં તેમની બોલિંગ શાનદાર રહી હતી. નવાઈની વાત એ હતી કે બાપુ નાદકર્ણી નેટ પર સિક્કો મૂકીને બોલિંગ કરતા હતા. તેમની બોલિંગ એટલી સચોટ હતી કે બોલ ત્યાં જ પડતો. બાપુનો ટેસ્ટ કારકિર્દીમાં ઇકોનોમી રેટ પ્રતિ ઓવર 1.67 હતો. બાપુએ ભારતીય ટીમ માટે 41 ટેસ્ટ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે 9165 બોલમાં 2559 રન આપ્યા અને 88 વિકેટ લીધી હતી.
બાપુ નાદકર્ણીની ક્રિકેટ કારકિર્દી
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બાપુ નાદકર્ણીએ શાનદાર પ્રદર્શન કરવા માટે જાણીતા હતા. તેમણે ફક્ત બોલિંગથી જ નહી પરંતુ બેટિંગ પણ જોરદાર કરી હતી. સન 1964માં ઈંગ્લેન્ડ સામેની સીરિઝ દરમિયાન કાનપુરમાં 122 રનની અણનમ ઇનિંગ રમીને બાપુએ ભારતને હારથી બચાવ્યું હતું. બાપુએ ટેસ્ટ મેચોમાં 25.70 ની સરેરાશથી 1414 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે. બાપુએ તેમની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કારકિર્દી દરમિયાન કુલ 500 વિકેટ લીધી હતી. સન 1933માં નાસિકમાં જન્મેલા બાપુનું વર્ષ 2020માં મુંબઈમાં અવસાન થયું હતું.