અમ્પાયરે ચીટિંગ કરી! બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ વચ્ચે ફરી બબાલ, એડ્જ વાગ્યા બાદ પણ ન આપ્યું આઉટ
બાંગ્લાદેશે બીજી T20I મેચમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
બાંગ્લાદેશી ટીમે બીજી T20I મેચ જીતીને સીરિઝ 1-1થી બરાબર કરી
Image:Screengrab |
BAN vs SL Cricket Controversy : બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ વચ્ચે ODI વર્લ્ડકપ 2023માં ઘણો વિવાદ થયો હતો. ફરી એકવાર મેચ દરમિયાન આ બંને ટીમો વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. જે બાદ શ્રીલંકાની ટીમ અને ફિલ્ડ અમ્પાયર વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે T20I સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ ગઈકાલે રમાઈ હતી. જેમાં ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો.
બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ વચ્ચે ફરી વિવાદ
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20I મેચમાં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 165 રન બનાવ્યા હતા. 166 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમ માટે લિટન દાસ અને સૌમ્ય સરકારે શાનદાર શરૂઆત કરી હતી. બાંગ્લાદેશી ટીમ માટે બંનેએ મળીને પ્રથમ ત્રણ ઓવરમાં 28 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે બિનુરા ફર્નાન્ડો ચોથી ઓવર ફેકવા આવ્યો અને તરત જ તેણે પહેલા જ બોલ પર સૌમ્ય સરકારને આઉટ કરી દીધો.
બેટનું એડ્જ વાગ્યા બાદ પણ અમ્પાયરે ન આપ્યો આઉટ
બિનુરા ફર્નાન્ડોનો બોલ પર સૌમ્યના બેટનું એડ્જ વાગ્યું અને વિકેટકીપરે કેચ પકડ્યો હતો. અપીલ પછી ફિલ્ડ અમ્પાયરે સૌમ્ય સરકારને આઉટ આપ્યો, પરંતુ સૌમ્ય સરકારે DRS લીધું. DRSના વીડિયો રિપ્લેમાં સ્નિકોમીટર પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ બેટની કિનારી સાથે અથડાઈ વિકેટકીપર સુધી પહોંચ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે થર્ડ અમ્પાયરે સૌમ્ય સરકારને નોટઆઉટ આપ્યો હતો. આ પછી ફરી મેદાનમાં જોરદાર હંગામો જોવા મળ્યો.
શ્રીલંકન કેપ્ટન અને કોચ ગુસ્સે દેખાયા
થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી શ્રીલંકાની આખી ટીમ ઘણી નારાજ દેખાઈ રહી હતી. જે બાદ આખી ટીમ ફિલ્ડ અમ્પાયરો પાસે એકઠી થઈ હતી. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકા અને મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ આ નિર્ણય પર ખૂબ જ ગુસ્સે દેખાતા હતા. આખી ટીમ અમ્પાયરના આ નિર્ણયને સ્વીકારવા બિલકુલ તૈયાર ન હતી.
બાંગ્લાદેશે કરી સીરિઝમાં બરાબરી
થર્ડ અમ્પાયરના નિર્ણયને કારણે જે સમયે આ વિવાદ થયો હતો તે સમયે સૌમ્ય સરકાર 9 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો હતો. જો કે સૌમ્ય સરકાર આનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને 26 રન બનાવીને આઉટ થયો હતો. જો કે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા નઝમુલ હુસૈન શાંતોએ 38 બોલમાં 53 રન ફટકારીને બાંગ્લાદેશને 8 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત લિટન દાસે 36 અને તૌહીદ હૃદોયે 32 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે બાંગ્લાદેશી ટીમે બીજી T20I મેચ જીતીને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે.